કાબૂલથી પાકિસ્તાનને નવો ઝટકો: ભારતની જળ યોજનાઓથી પાકિસ્તાનમાં જળ સંકટ વકરશે?

નવી દિલ્હી/કાબૂલ/ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે સરહદ પારનાં આતંકવાદને પોષવા બદલ ભારતે અનેક મોટા નિર્ણયો લીધા હતા અને તેમાનો એક નિર્ણય હતો સિંધુ જળ સમજૂતીને સ્થગિત રાખવાનો. ભારત સરકારના આ નિર્ણયથી પાકિસ્તાન ભીંસમાં આવી ગયું છે અને ભારતને પત્ર લખીને સિંધુ જળ સમજૂતી મુદ્દે લીધેલા નિર્ણય પર પુનઃ વિચારણા કરવા અપીલ કરી હતી. જો કે ભારતનું આ મુદ્દે વલણ સ્પષ્ટ છે કે લોહી અને પાણી એકસાથે ન વહી શકે. જો કે આ દરમિયાન ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના રાજકીય સંવાદે સિંધુ જળ સમજૂતી અંગેનાં ભારતીય નિર્ણયથી પાકિસ્તાનમાં પાણીની તંગીને વધુ વધારી શકે છે.
વિકાસ પરિયોજનાઓને આગળ વધારવા પર સહમતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશ પ્રધાન એસ. જયશંકર અને મુત્તાકી વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતીય સહાયની વિકાસ પરિયોજનાઓને આગળ વધારવા પર સહમતિ થઈ છે. જેમાં લાલંદરની તે શહતૂત બંધ પરિયોજનાનો સમાવેશ થાય છે, જે કાબુલ નદી પર બનાવવાની છે. બંને દેશો વચ્ચે આ અંગે સમજૂતી તો ફેબ્રુઆરી 2021માં થઈ હતી, પરંતુ કાબુલમાં થયેલા સત્તા પરિવર્તને તેના પર બ્રેક લગાવી દીધી હતી. પહેલગામ આતંકી હુમલા બાદ થયેલી ભારતીય રાજદ્વારી ટીમની કાબુલ મુલાકાતે આ પરિયોજનાની ગતિવિધિને એકવાર ફરી હવા આપી દીધી છે.
સમસ્યા હોવા છતાં કઈ નહિ બોલી શકે પાકિસ્તાન
ઉલ્લેખનીય છે કે કાબુલ નદી પર બનનારી આ પરિયોજના અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને દેશમાં રહેતા લગભગ 20 લાખ લોકો માટે સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડશે. આ શહતૂત બંધ પરિયોજના માટે ભારત 236 મિલિયન ડોલરની નાણાકીય અને તકનીકી સહાય ઉપલબ્ધ કરાવશે. લગભગ ત્રણ વર્ષમાં પૂરી થનારી આ પરિયોજનાથી અફઘાનિસ્તાનની 4,000 હેક્ટર જમીનને સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવશે.
તે ઉપરાંત તાલિબાન સરકારે કુનાર નદી પર બીજા મોટા જળવિદ્યુત બંધની જાહેરાત કરી જે પાકિસ્તાનની ચિંતાઓ વધારનારી છે. કુનાર નદી પણ હિન્દુકુશ પર્વતોમાંથી નીકળીને પાકિસ્તાનમાં કાબુલ નદીને મળે છે. કાબુલ અને કુનાર નદીઓ પણ સિંધુ બેસિનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રોજેક્ટ દેશના માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા માટે આર્થિક તંગીનો સામનો કરી રહેલી તાલિબાન સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓનો એક ભાગ છે. પરંતુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે બંધ પ્રોજેક્ટ અને પાણીની વહેંચણી સંઘર્ષમાં વધારો કરી શકે છે.
આ યોજનાની સીધી અસર પાકિસ્તાનને
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ યોજનાની સીધી અસર પાકિસ્તાનને થવાની છે. આ બંધ બનતાની સાથે જ પાકિસ્તાન સામે સૌથી મોટો અને સીધો ખતરો પોતાના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત માટે પાણીની જરૂરિયાતોને પૂરી કરવાનો હશે. કાબુલ નદી સિંધુ નદી જળ પરિવાહ તંત્રનો ભાગ છે અને પાકિસ્તાન માટે તેનું ખૂબ જ મહત્વ રહેલું છે. પાકિસ્તાનને ચિંતા એટલા માટે પણ વધી રહી છે કે કારણ કે અફઘાનિસ્તાન સાથે તેની કોઈ ઔપચારિક જળ સમજૂતી નથી. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન ન તો શહતૂત બંધ પરિયોજનાને લઈને પાકિસ્તાન પ્રત્યે જવાબદાર છે અને ન તો કોઈ સમજૂતીથી બંધાયેલું છે.
શહતૂત ડેમ પ્રોજેક્ટમાં પ્રગતિના સંકેતો
તાજેતરમાં, ભારતીય વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન ડેસ્કના પ્રભારી સંયુક્ત સચિવ આનંદ પ્રકાશની કાબુલ મુલાકાત બાદ શહતૂત ડેમ પ્રોજેક્ટમાં પ્રગતિના સંકેતો જોવા મળી રહ્યા છે. ભારતીય રાજદ્વારીઓની ટીમની આ મુલાકાત પહેલગામ હુમલા બાદ 29 એપ્રિલે થઈ હતી. તાલિબાન સરકારે પહેલગામ હુમલાની નિંદા કરી છે અને ભારતના વ્યૂહાત્મક હિતો સાથે જોડાવાની તૈયારી દર્શાવી છે, જેનાથી પાકિસ્તાન રાજદ્વારી રીતે વધુ અલગ પડી ગયું છે.
પાકિસ્તાન માટે છે ખૂબ જ મહત્વપૂર્ણ
એ ખાસ નોંધવું રહ્યું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે નવ નદીના પરિવાહ તંત્રનો સંબંધ છે. અફઘાનિસ્તાનમાંથી ઉદ્ભવથી અફઘાનિસ્તાનમાંથી વહીને પાકિસ્તાનમાં આવતી નદીઓ પાકિસ્તાનના જુદા જુદા પ્રાંત માટે પાણીની જરૂરીયાતો માટે મહત્વની છે. હાલ જે યોજનાઓ પર અફઘાનિસ્તાન સરકાર વિચાર કરી રહી છે તે પાકિસ્તાનની કૃષિ અને પાણીની ઉપલબ્ધતા માટે પણ ખતરો બની શકે છે.
આપણ વાંચો : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે કરી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાતચીત