નવી દિલ્હી: કલકત્તા હાઈ કોર્ટના એક ચુકાદામાં સુઓ મોટો પિટિશનની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ન્યાયાધીશોએ તેમના વ્યક્તિગત વિચારો લાદવાને બદલે કાયદા અને નિયમોના સિદ્ધાંતોને અનુસરવા જોઈએ, જ્યારે ન્યાયાધીશો સેકસુઅલ એથિક્સ અને યુવાન છોકરાઓ અને છોકરીઓ પાસેથી આદર્શ વર્તનની અપેક્ષા પર ટિપ્પણી કરે છે ત્યારે તે એકદમ અયોગ્ય સંદેશ આપે છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કલકત્તા હાઇ કોર્ટના ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી હતી, કલકત્તા હાઇ કોર્ટના ચુકાદા સૂચવવામાં આવ્યું હતું કે દરેક કિશોરવયની છોકરીએ જાતીય ઇચ્છાઓને નિયંત્રિત કરવી જોઈએ અને મર્યાદા જળવાઈ રહે એવું વર્તન કરવું જોઈએ.
આ ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે “ચુકાદામાં આ પ્રકારની વસ્તુઓ લખવી એ બિલકુલ અયોગ્ય છે. તે એકદમ ખોટો સંકેત મોકલે છે. આવી વાતો કરીને ન્યાયાધીશો કેવા સિદ્ધાંતો સમર્થન કરી રહ્યા છે?”
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે હાઈ કોર્ટના 18 ઓક્ટોબરના ચુકાદા સામે શરૂ કરાયેલી સુઓ મોટો કાર્યવાહી હાથ ધરી હતી. ખંડપીઠે કહ્યું કે “હાઈ કોર્ટે આપેલા અન્ય તારણો પણ અયોગ્ય છે. એવા ઘણા તારણો છે જેને અમે સ્વીકારી શકતા નથી. આ પ્રકારના ખ્યાલો ક્યાંથી આવે છે, અમને ખરેખર ખબર નથી. ”
ગત 8 ડિસેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઈ કોર્ટના ચુકાદા પર આંશિક રીતે સ્ટે આપ્યો હતો. એ સમયે ખંડ પીઠે અવલોકન કર્યું હતું કે ન્યાયાધીશો તેમના આદેશો અને ચુકાદાઓ દ્વારા ઉપદેશ આપે તેવી અપેક્ષા નથી, આ અસ્પષ્ટ અવલોકનો અત્યંત વાંધાજનક અને સંપૂર્ણપણે ગેરવાજબી છે.
ગુરુવારે સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે બેંચને માહિતી આપી હતી કે રાજ્યએ પણ હાઈકોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી છે. રાજ્ય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ જણાવ્યું હતું કે માત્ર હાઈ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનો જ વાંધાજનક નથી, પરંતુ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો અંતિમ નિર્ણય વૈધાનિક સિદ્ધાંતોની વિરુદ્ધ હતો.
કોર્ટે કેસની આગામી સુનાવણી 12 જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારની આ આરોપીઓને આપવામાં આવેલી મુક્તિ સામેની અપીલ પણ સુઓમોટો કેસ સાથે લેવામાં આવશે.
Taboola Feed