Top Newsનેશનલ

ગુજરાતમાં આજથી શરૂ થશે હાડ થીજવતી ઠંડી, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં આજથી કડકડતી ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધુ ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી અને વાતાવરણમાં પલટાને લઈને મહત્વની આગાહી કરતા જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે આજની ગુજરાત અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, 8 જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી. આ સાથે તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં 3.6 ડિગ્રી તાપમાન ઓછું થઈને 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે ગાંધીનગરમાં પણ ત્રણ ડિગ્રી તાપમાન નીચું નોંધાઈને 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે સુરતમાં 17.4 અને રાજકોટમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. આ સાથે અમદાવાદમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે.

મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગે 3 થી 6 જાન્યુઆરી દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રનું હવામાન સૂકું રહેશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત મુંબઈના તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા દર્શાવી હતી.

ઉત્તર ભારત તથા મધ્ય ભારતનો કેટલોક હિસ્સો ગાઢ ધુમ્મસ અને શીતલહેરની ઝપેટમાં છે. કાશ્મીર ઘાટી તથા હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાથી પહાડોની સાથે મેદાની વિસ્તાોરમાં ઠંડી વધારે અનુભવાઈ રહી છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું છે. અનેક જગ્યાએ વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી છે. હવામાન વિભાગે 5-6 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. લઘુત્તમ તાપમાન 8-10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, પશ્ચિમી વિક્ષોભ સક્રિય હોવાના કારણે પહાડી રાજ્યોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડીથી રાહતની શક્યતા નથી. પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં આગામી બે-ત્રણ દિવસમાં તાપમાન 2 – 3 ડિગ્રી વધી શકે છે. ઝારખંડના 11 જિલ્લા માટે આજે ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…ગુજરાતીઓ ગુલાબી ઠંડી માટે તરસ્યા, રાજ્યમાં સતત બીજા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં શીતલહેર ગાયબ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button