રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પરિવારનાં સાત સભ્યનાં મોત
જયપુર: રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચેની સામસામી અથડામણમાં ચાર મહિલાઓ સહિત એક પરિવારના સાત સભ્યોનાં મોત થયાં હતાં અને અન્ય બે ઘાયલ થયા હતા.
અકસ્માત શનિવારે રાત્રે મેગા હાઇવે પર લખુવાલી અને શેરગઢ વચ્ચે થયો હતો જ્યારે પરિવાર ચાર કિલોમીટર દૂર આદર્શ નગર ગામમાં જન્મદિવસના કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. તમામ પીડિતો હનુમાનગઢના નૌરંગડેસર ગામના રહેવાસી હતા. મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુર્ઘટના પર શોક વ્યક્ત
કર્યો છે.
એસએચઓ વેદ પાલે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોની ઓળખ પરમજીત કૌર (60), ખુશવિન્દર સિંહ (25), તેની પત્ની પરમજીત કૌર (22), પુત્ર મનજોત સિંહ (5), રામપાલ (36), તેની પત્ની રીના (35) અને પુત્રી રીત (12) તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ આકાશદીપ સિંહ (14) અને મનરાજ કૌર (2) તરીકે કરવામાં આવી છે, જેમને બિકાનેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક ખોટી દિશામાંથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. કારનો આગળનો ભાગ એટલો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો કે મૃતદેહોને બહાર કાઢવા અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં સમય લાગ્યો હતો. (પીટીઆઈ)