મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાના પ્રેમના ક્રૂર અંતના કેસમાં આજે થશે સજાની સુનાવણી
નવી દિલ્હીઃ પ્રેમ અને પ્રેમ લગ્નો આજે પણ ધર્મ, જ્ઞાતિ જેવા સમાજિક બંધનોને બલિ ચડે છે અને ઑનર કિલિંગની ઘટનાઓ બનતી રહે છે. દિલ્હીમાં વર્ષ 2018માં બનેલી આવી કંપારી છૂટી જાય તેવી ઘટનામાં કોર્ટે છોકરીના માતા-પિતા, ભાઈ અને મામાને દોષીકરાર તો આપ્યો છે ત્યારે આજે દિલ્હીની તિસ હજારી કોર્ટમાં તેમને સજાની સુનાવણી કરવામાં આવશે.
ફોટોગ્રાફર અંકિત સક્સેના અને શહેઝાદીના પ્રેમને ન સ્વીકારનારા પરિવાર જાહેરમાં અંકિતનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી. જોકે પ્રેમિકાએ ભારે હિંમત બતાવી પોતાના પરિવારને દોષી બતાવ્યો હતો અને પોતાને પણ જીવનું જોખમ હોવાનું જણાવતા તેને નારી નિકેતન ગૃહમાં મોકલવામાં આવી હતી.
પહેલી ફેબ્રુઆરી, 2018ના રોજ ઘરની દીકરી શહેઝાદી ઘર છોડી ભાગી ગઈ હતી. વાસ્તવમાં તેને ખબર પડી ગઈ હતી કે પરિવાર તેના પ્રેમી અંકિતને મારવાનો પ્લાન બનાવે છે આથી તે અંકિતને જાણ કરી તેનો જીવ બચાવવા ગઈ હતી. જોકે તે પહોંચે તે પહેલા પરિવારે અંકિતના ઘરની ગલીમાં પહોંચી ગયો અને અંકિત સાથે મારપીટ શરૂ કરી દીધી. અંકિતની માતા તેને બચાવવા ગઈ તો તેને પણ માર પડ્યો. અંકિત માતાને બચાવવા ગયો ત્યારે છોકરીના મામા અને માતાએ તેને પક્ડયો અને પિતાએ તેના વાળ પકડી ગળું ચીરી તેની હત્યા કરી નાખી હતી.
અંકિત અને શહેઝાદી એક જ મહોલ્લામાં રહેતા હતા અને વર્ષો સુધી સાથે રમ્યા હતા. ઘટના બાદ અંકિતની માતાના કહેવા અનુસાર તેમને તેમના પ્રેમસંબંધ વિશે માહિતી ન હતી, પરંતુ છોકરીએ મીડિયા સામે જણાવ્યું હતું કે હું અને અંકિત એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માગતા હતા.
અંકિતના ઘરવાળાને આ વાત ખબર પડતા તેઓ બીજા મહોલ્લામાં રહેવા ચાલ્યા ગયા હતા, પરંતુ બન્નેના પ્રેમને ઓછા કરી શક્યા ન હતા. આથી દીકરી જ્યારે ઝગડો કરી ઘર છોડી જતી રહી ત્યારે તેઓ ઉશ્કેરાયા અને અંકિતને મારવા પહોંચી ગયા હતા. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ છોકરીની મા શહેનાઝ બેગમ, પિતા અકબર અલી અને મામા મોહંમદ સલીમને દોષી ઠેરવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે અંકિતની હત્યા બીજા સમુદાયની છોકરી સાથે સંબંધ રાખવાના કારણે કરવામાં આવી હોવાનું સાબિત થયું છે. તે સમયે છોકરીનો ભાઈ નાબાલિક હોવાથી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં મામલો ચાલી રહ્યો છે. આજે તેમની સજા ઉપર દલીલો થશે અને તે બાદ કોર્ટ સજા સંભાળવશે, તેમ અહેવાલો જણાવે છે.