પત્રકાર સૌમ્યા વિશ્વનાથન હત્યાકાંડમાં સજાનું એલાન, 4 આરોપીઓને આજીવન કેદની સજા

ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યાના કેસમાં સજાનું એલાન થઇ ગયું છે. આ કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રવિ કપૂર, અમિત શુક્લા, બલબીર મલિક અને અજયકુમાર આ ચારેય આરોપીઓને 2 અલગ અલગ કેસ અંતર્ગત ઉમરકેદની સજાઓ અને દંડ ફટકારવામાં આવ્યા છે.
પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા 30 સપ્ટેમ્બર 2008ના રોજ દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર થઇ હતી. સૌમ્યા નાઇટશિફ્ટ પૂર્ણ કરીને મોડીરાત્રે તેના ઘરે પરત ફરી રહી હતી. પોલીસને સૌમ્યાનો મૃતદેહ તેની કારમાંથી મળી આવ્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે પોલીસને કેસની તપાસમાં 6 મહિના લાગ્યા હતા. જે આરોપીઓને પોલીસે પકડ્યા હતા તેમણે અન્ય એક હત્યા પણ કરી હતી, તેની પૂછપરછમાં તેમણે સૌમ્યાની હત્યાની પણ કબૂલાત કરી હતી.
આજે યોજાયેલી કેસની સુનાવણી દરમિયાન સૌમ્યાની માતાને ન્યાયાધીશે પૂછ્યું હતું કે કંઇ કહેવું છે? ત્યારે સૌમ્યાની માતાએ જવાબ આપ્યો હતો કે 15 વર્ષ બાદ ન્યાય મળવો જોઇએ. મારા પતિ (સૌમ્યાના પિતા) આઇસીયુમાં દાખલ છે અને ન્યાયની રાહ જોઇ રહ્યા છે. આ પછી સાકેત કોર્ટે ચારેય દોષિતોને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ સજા સંભળાવી. જેમાં ઉમરકેદ અને 25-25 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં કુલ ચાર આરોપીઓ હતા, જો કે પાંચમા આરોપી અજય સેઠીએ લૂંટનો માલ પોતાના કબજે રાખ્યો હતો આથી તેને 302 નહિ પરંતુ કલમ 411 હેઠળ સજા સંભળાવાઇ છે. દોષિતોને મકોકા હેઠળ પણ સજા તથા 1-1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.