
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં મંગળવારે નવો ઇતિહાસ રચાયો હતો. સેન્સેક્સમાં ૪૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ઇતિહાસમાં પહેલી વખત ૭૪,૦૦૦ની સપાટી વટાવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી પણ ૨૨,૫૦૦ની લગોલગ પહોંચ્યો હતો. સેન્સેક્સ ૪૦૮.૮૬ પોઇન્ટ અથવા તો ૦.૫૫ ટકાના સુધારા સાથે ૭૪,૦૮૫.૯૯ પોઇન્ટની, જયારે નિફટી ૧૧૭.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૫૩ ટકાના સુધારા સાથે ૨૨,૪૭૪.૦૫ પોઇન્ટની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.
વિશ્ર્વબજારમાં અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેનના ટેસ્ટીમની અગાઉ સાવચેતીના માનસ વચ્ચે નકારાત્મક સંકેત રહ્યાં હતાં. સવારના સત્રમાં નિરસ હવામાન રહ્યું હતું જોકે, યુરોપના બજારોમાં સુધારો દેખાયા બાદ બપોરના સત્ર પછી સ્થાનિક બજારમાં સમાર્ટ રિકવરી જોવા મળી હતી. લાર્જ કેપ શેરોમાં લેવાલીનો ટેકો મળતા બંને બેન્ચમાર્ક નોંધપાત્ર સુધારા સાથે નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
કોટક મહિન્દ્રા બેન્ક ૨.૪૭ ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર શેર બન્યો હતો. સેન્સેક્સના અન્ય ગેઇનર શેરોમાં એક્સિ બેન્ક, ભારતી એરટેલ, સન ફાર્મા, એચસીએલ ટેકનોલોજી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન અને ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસનો સમાવેશ હતો. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, મારુતિ, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ અને ટાટા મોટર્સનો ટોપ લુઝર્સ શેરોમાં સમાવેશ હતો.