સેન્સેક્સ ૧૩૮૪ની છલાંગ સાથે સર્વોચ્ચ સપાટીએ
- મોદી મૅજિકથી આખલો ગેલમાં * માર્કેટકૅપમાં ₹ ૫.૮૧ લાખ કરોડનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓની માફક શેરબજારમાં પણ મોદી મૅજિકનો પરચો જોવા મળ્યો હતો. શેરબજારમાં જોરદાર તેજીનું કારણ પણ આ જ પરિણામો બન્યા છે. સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ ૧૩૮૪ના ઉછાળા સાથે અને નિફ્ટી ૪૧૯ પોઇન્ટની છલાંગ સાથે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે અને સાથે બીએસઇના માર્કેટકેપમાં રૂ. ૫.૮૧ લાખ કરોડનો ઉછાળો નોંધાયો છે.
વિધાનસભાની ચૂંટણીઓમાં શાસક પક્ષના સ્પષ્ટ વિજયને કારણે આખલો ગેલમાં આવી ગયો છે અને મુંબઇ સમાચારે ફોરકાસ્ટ કોલમમાં કરેલી આગાહી અનુસાર જ નિફ્ટીએ ખૂલતા સત્રમાં જ ૨૦,૫૦૦ની સપાટીને કૂદાવી નાંખી હતી અને સીધો ૨૦,૬૦૦ની ઉપર ખૂલ્યો હતો. એ જ રીતે, સેન્સેકસ પણ લગભગ ૧૦૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૮,૪૩૫ની સપાટીએ ખૂલ્યો હતો.
વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે ત્રીજી ડિસેમ્બરે જાહેર થયેલા રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામો બજારો માટે સકારાત્મક છે. રાજ્યની ચૂંટણીના પરિણામો એક એવી મોટી ઘટના બની છે, જે નવેસરથી આશાવાદનો સંચાર કરી બજારમાં વધુ તેજીને ઉત્તેજિત કરી શકે છે. બજારને રાજકીય સ્થિરતા અને સુધારાલક્ષી તેમ જ બજાર માટે મૈત્રીપૂર્ણ સરકાર ગમે છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતીએ તેજીને નવું ઇંધણ પુરુ પાડ્યું છે. બજારના પરિપ્રેક્ષ્યમાં ચૂંટણી પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા હતા. પાછલા ચાર સત્રો દરમિયાન ૫૦૦ પોઈન્ટની રેલી સાથે બજાર પહેલાથી જ ભાજપની જીતને આંશિક રીતે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. પરંતુ મૂડ એટલો ઉત્સાહી છે કે રેલી ચાલુ રહેશે.
સેન્સેક્સ સત્રને અંતે ૧,૩૮૩.૯૩ પોઇન્ટની જોરદાર છલાંગ સાથે ૬૮,૮૬૫.૧૨ પોઇન્ટના સ્તરે અનેે નિફ્ટી ૪૧૮.૯૦ પોઇન્ટના તોતિંગ ઉછાળા સાથે ૨૦,૬૮૬.૮૦ પોઇન્ટની સપાટી ઓલટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયો હતો.
બંને બૅન્ચમાર્ક્સે એક વર્ષમાં સૌથી મોટો એકદિવસીય ઉછાળો નોંધાવ્યો છે. ક્ષેત્રીય રીતે, બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ પણ ૪૬,૪૮૪ સ્તરની નવી જીવનકાળની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ત્રણ ટકાથી વધુ વધીને બંધ થયો હતો. આ સિવાય, નિફ્ટી મીડિયા અને ફાર્મા શેરઆંકોને બાદ કરતાં બાકીના તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ હકારાત્મક ક્ષેત્રે બંધ થયા હતા.
આમ છતાં રોકાણકારોએ એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે અત્યારે તમામ તેજીપ્રેરક પરિબળો વચ્ચે એક મહત્ત્વનુ અવરોધક પરિબળ ઊંચા વેલ્યુએશનનું છે.
હાલ વેલ્યુએશન્સ ઊંચી સપાટીએ છે અનેે તેજીની ગતિ વધવાની સાથે તે વધુ ઊંચી સપાટીએ પહોંચશે. બજારના પીઢ વિશ્ર્લેષકો માને છે કે નજીકના ગાળામાં બજાર ફંડામેન્ટલ્સની અવગણના કરશે અને આગેકૂચ સાથે વધુ ઉપર જશે, પરંતુ ટૂંક સમયમાં ઊંચા મૂલ્યાંકનથી વેચાણને ઉત્તેજન મળશે.