નેશનલશેર બજાર

સેન્સેક્સનો અમૃતકાળમાં પ્રવેશ

ઇતિહાસમાં પહેલી વખત ૭૫,૦૦૦નો ઝંડો ફરકાવ્યો ક રોકાણકારોની સંપત્તિમાં ₹ ૨.૨૭ લાખ કરોડનો ઉમેરો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત ૭૫,૦૦૦ની સપાટી પાર કરીને અમૃતકાળમાં પ્રવેશ મેળવી લીધો છે. એફએમસીજી, એનર્જી અને મેટલ શેરોની આગેવાનીએ નીકળેલી નવેસરની લેવાલીના બળે સેન્સેક્સે ૩૫૪ પોઇન્ટના કૂદકા સાથે ૭૫,૦૩૮ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી હાંસલ કરી છે.

આ ઉછાળા સાથે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓના માર્કેટ કેપિટલમાં રૂ. ૨.૨૭ લાખ કરોડનો વધારો થયો છે. નિફ્ટી પણ ૧૧૧ પોઇન્ટના ઉછાળા સાથે ૨૨,૭૫૪ પોઇન્ટની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. મેટલ શેરો અને ઇન્ડેક્સ હેવીવેઇટ્સ
શેરોમાં સુધારા વચ્ચે બુધવારે સ્થાનિક બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં સવારના સત્રથી જ આગેકૂચ જોવા મળી હતી. ચીન અને અમેરિકા તરફથી મજબૂત મેન્યુફેક્ચરિંગ માગની અપેક્ષાએ ખાસ કરીને મેટલ શેરોમાં સારી લેવાલી જોવા મળી હતી.

જોકે આગામી વ્યૂહરચના માટે રોકાણકારોની નજર અમેરિકાના સંકેતો પર મંડાયેલી છે. માર્કેટ એક્સપર્ટ અનુસાર માર્ચ માટેના યુએસ સીપીઆઈ ઇન્ફ્લેશનના ડેટા અને ફેડરલ રિઝર્વની માર્ચ એફઓએમસી મીટિંગની મિનિટસની જાહેરાત સહિતની નોંધપાત્ર ઘટનાઓ પર રોકાણકારો ઝીણી નજર રાખશે. જ્યારે સ્થાનિક સ્તરે ચોથા ક્વાર્ટરમાં મજબૂત કોર્પોરેટ કમાણીની અપેક્ષાઓ અને ચૂંટણી પૂર્વેની રેલી જેવા હકારાત્મક પરિબળો બજારને ટેકો આપી રહ્યા છે.

એક આંકડાકીય મહિતી અનુસાર સેન્સેક્સે ૭૦,૦૦૦થી ૭૫,૦૦૦ સુધી પહોંચવામાં ૮૨ દિવસ લીધા છે. સોમવારે શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન ૪૦૦ લાખ કરોડને સ્પર્શવાનો આનંદ ઓસરે ત્યાં તો બીજા જ સત્રમાં સેન્સેક્સ અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને ઇતિહાસમાં પહેલી જ વખત ૭૫,૦૦૦ની સપાટી સર કરી લીધી છે. સેન્સેક્સે ૭૦,૦૦૦થી ૭૫,૦૦૦ પોઇન્ટની ૫,૦૦૦ પોઇન્ટની રેલી ૮૨ દિવસમાં પૂરી કરી હતી, જે અત્યાર સુધીની ચોથી સૌથી ઝડપી તેજી રહી હોવાનું બીએસઇના ડેટા સૂચવે છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી હોવાથી બજારમાં આ ઇલેકશન રેલી હોવાની વાતો પણ સંભળાઇ રહી છે. સેન્સેક્સે ૧૦ વર્ષ પહેલાં ૧૬ મે, ૨૦૧૪ના રોજ ૨૫,૦૦૦ માઇલસ્ટોનને પાર કર્યો હતો, જે દિવસે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ૨૫,૦૦૦થી ૭૫,૦૦૦ના માઇલસ્ટોનને પાર કરવામાં સેન્સેક્સે દસ વર્ષ કરતા થોડો ઓછો સમય લીધો છે.

જ્યારે સેન્સેક્સને ૩૫,૦૦૦નો માઇલસ્ટોન પાર કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો. ત્રીજી મે, ૨૦૧૯ના રોજ સેન્સેક્સ ૪૦,૦૦૦ના માઇલસ્ટોનને પાર કરી ગયો હતો. ત્યાર બાદ ૪૫,૦૦૦ માર્કથી ૫૦,૦૦૦ સુધી પહોંચવામાં શેરબજારને માત્ર ૩૫ સેશન જ લાગ્યા હતા.

ટ્રેડ એનાલિસ્ટો જણાવે છે કે ચોથી જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો આગામી થોડા મહિનાઓ માટે બજારની ગતિના મુખ્ય નિર્ણાયક રહેશે. વધુમાં યુએસ અને અન્ય મુખ્ય અર્થતંત્રોમાં વ્યાજ દરની સ્થિતિ, ભારતમાં ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો, વિદેશી ભંડોળનો પ્રવાહ અને આર્થિક ફંડામેન્ટલ્સ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર મોટી અસર કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button