
બૅન્ક ઑફ જાપાને ૧૭ વર્ષ બાદ પહેલી વખત વ્યાજદરમાં વધારો કર્યો, એશિયાઇ બજારોમાં નરમાઇનો ઝટકો
રોકાણકારોના ₹ ૪.૮૬ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૅન્ક ઑફ જાપાને ૧૭ વર્ષના લાંબા સમયગાળા બાદ નકારાત્મક વ્યાજદરના ચલણને બ્રેક મારતા વ્યાજદર વધાર્યા હોવાથી એશિયાઇ બજારોમાં આવેલી નબળાઇ સાથે સ્થાનિક બજારમાં ખરડાયેલા માનસ વચ્ચે વેચવાલીનું જોર વધતા સેન્સેક્સમાં ૭૩૬ પોઇન્ટનો કડાકો બોલી ગયો અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૪.૮૬ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે.
મંદીવાળા મંગળવારે બજાર પર ફરી હાવી થઇ ગયા હતા અને સાર્વત્રિક વેચવાલીનો હાહાકાર મચાવીને નિફ્ટીને ૨૨,૦૦૦ની નીચે ધકેલી દીધો હતો. સેન્સેક્સ પણ ૭૨,૦૦૦ની નીચે જઇને માંડ એ સપાટીની ઉપર પાછો ફરી શક્યો હતો.
એકંદર મંદીના માહોલમાં જોરદાર વેચવાલીના મારા વચ્ચે બીએસઇમાં લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. બજારના કુલ ટ્રેડેડ શેરોની માર્કેટ કેપિટલમાં રૂ. ૪,૮૬,૭૭૭.૯૮ કરોડનો કડાકો બોલાઇ ગયો હતો અને અંતે એમકેપ રૂ. ૩,૭૩,૯૨,૫૪૫.૪૫ કરોડના સ્તરે પહોંચ્યું હતું.
એશિયાઇ બજારોમાં સિઓલ, શાંઘાઇ અને હોંગકોંગ શેરબજારો નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા અને ટોકિયોમાં સુધારો જોવા મળ્યો હતો. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૮૪૮.૫૬ કરોડની ઇક્વિટી ખરીદ્યા બાદ સોમવારે રૂ. ૨૦૫૧.૦૯ કરોડની વેચવાલી નોંધાવી હતી.
એ બાબત નોંધવી રહી કે, એફઆઇઆઇએ માર્ચ મહિનામાં અત્યાર સુધી રૂ. ૪૦,૦૦૦ કરોડથી વધુની લેવાલી નોંધાવી છે. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૦ ટકા ઘટીને ૮૬.૫૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
સ્થાનિક બજારમાં વ્યાપક વેચવાલી વચ્ચે નિફ્ટી અને સેન્સેક્સ ૨૧,૮૦૦ પોઇન્ટ અને ૭૨,૦૦૦ પોઇન્ટની ઇન્ટ્રાડે નીચી સપાટીને અથડાયા હતા. સત્રને અંતે સેન્સેક્સ ૭૩૬.૩૭ પોઈન્ટ્સ અથવા ૧.૦૧ ટકા ઘટીને ૭૨,૦૧૨.૦૫ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૨૩૮.૨૦ પોઈન્ટ્સ અથવા ૧.૦૮ ટકા ઘટીને ૨૧,૮૧૭.૫૦ સપાટી પર સ્થિર થયો હતો.
નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા શેરોેમાં ટીસીએસ, બીપીસીએલ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા ક્ધઝ્યુમર અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ હતોે, જ્યારે બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા બેંક, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલનો સૌથી વધુ વધનારા શેરોમાં સમાવેશ હતો.
હેલ્થકેર, આઈટી, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર સેગમેન્ટમાં એકથી બે ટકાના ઘટાડા સાથે તમામ સેકટરલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ રહ્યાં હતા.