આરજી કર મેડિકલ કોલેજના ૫૦ સિનિયર ડોકટર્સે આપ્યા રાજીનામા
કોલકાતાઃ અહીંની આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના લગભગ ૫૦ વરિષ્ઠ ડૉક્ટરોએ મૃત મહિલા ડૉક્ટર માટે ન્યાયની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા જુનિયર ડૉક્ટરો સાથે એકતા દર્શાવતા તેમના રાજીનામા આપ્યાં.
સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય મંગળવારે (૮ ઓક્ટોબર, ૨૦૨૪) સવારે રાજ્ય સંચાલિત હોસ્પિટલના વિભાગોના વડાઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો, એમ તેઓએ જણાવ્યું હતું.
એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું કે “હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ની આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી હોસ્પિટલના લગભગ ૫૦ વરિષ્ઠ ડોકટરોએ તેમના રાજીનામા પત્રો પર સહી કરી છે. આ તે યુવાન ડોકટરો પ્રત્યે અમારી એકતા વ્યક્ત કરવા માટે છે જેઓ એક કારણ માટે લડી રહ્યા છે.”
એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વરિષ્ઠ ડોકટરો પણ આરજી કર હોસ્પિટલમાં તેમના સાથીદારોને સાથ આપવાની વિચારણા કરી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.
ડૉક્ટર્સનું સંયુક્ત પ્લેટફોર્મ, પશ્ચિમ બંગાળ એ જુનિયર ચિકિત્સકો સાથે એકતાનું વચન આપ્યું છે જેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર માટે ન્યાયની માંગ કરી રહ્યા છે, જેમની પર ઓગસ્ટમાં આરજી કર હોસ્પિટલમાં કથિત રીતે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી, અને ‘ભ્રષ્ટાચારથી ઘેરાયેલી’ આરોગ્યસંભાળ સિસ્ટમનો અંત લાવવા માંગે છે.
જુનિયર ડોકટરો છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ પર છે, તેમની માંગણીઓ માટે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે “સમસ્યાઓને ઉકેલવા માટે સત્તાધિકારી તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી”, જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે. ડૉક્ટરના મંચે જેઓ આમરણાંત ઉપવાસ પર છે તેમની સ્વાસ્થ્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ “કેમ્પસ લોકશાહી અને મૈત્રીપૂર્ણ સિસ્ટમ માટે લડી રહ્યા છે. આ સ્થિતિમાં, અમે એકતામાં ઊભા રહીશું,” નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
સંસ્થાના સંયુક્ત સંયોજક તરીકે ડૉ. પુણ્યબ્રત ગન અને ડૉ હીરાલાલ કોનાર દ્વારા સહી કરાયેલા નિવેદન અનુસાર, ડૉક્ટરોના મંચે ખાનગી ક્ષેત્રમાં રહેલા ડૉક્ટરોને પણ “કેટલાક યોગ્ય પગલાં લેવા” અપીલ કરી હતી.