
નવી દિલ્હીઃ પીએમ મોદીના નજીકના નેતાઓમાંના એક સુનિલ ભાઈ ઓઝાનું બુધવારે અવસાન થયું હતું. ઓઝાની તબિયત બગડતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સુનિલ ઓઝા કાશી પ્રદેશના ભૂતપૂર્વ સંયોજક હતા. આ સાથે જ ભાજપે તેમને હાલમાં ભાજપના બિહાર પ્રભારીની જવાબદારી સોંપી હતી.
ઓઝાને આજે સવારે હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર વારાણસીમાં 30મી નવેમ્બરે થશે. ઓઝાએ 2007માં પાર્ટીની ટિકિટ ન આપવા બદલ પાર્ટી સામે બળવો કર્યો હતો અને અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ ગોરધન ઝડફિયાની આગેવાની હેઠળની MJPમાં જોડાયા હતા પરંતુ બાદમાં તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002માં ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી ત્યારે ઓઝા રાજકોટના પ્રભારી હતા. ઓઝા 2002માં ભાવનગર દક્ષિણ બેઠક પરથી ગુજરાતમાં વિધાનસભામાં ચૂંટાયા હતા. ઓઝાને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવતા હતા અને તેઓ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા ચૂંટણીના અત્યંત નિર્ણાયક રાજ્યોમાં પાર્ટીના સંગઠનમાં છેલ્લા ઘણા સમયથી પડદા પાછળ કામ કરી રહ્યા હતા.
સુનીલ ઓઝા એવા બહુ ઓછા નેતાઓની યાદીમાં હતા જેમને પીએમ મોદીને મળવાની સીધી પહોંચ હતી. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ વિધાનસભ્ય છે. 2014માં જ્યારે પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે સુનિલ ઓઝા ચૂંટણીની રણનીતિ બનાવવા માટે ગુજરાતથી કાશી પહોંચ્યા હતા. આ પછી તેઓ કાશીમાં જ રહી ગયા હતા. ઓઝા વારાણસી-મિર્ઝાપુર સરહદના ગરહૌલી ધામને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા.
સુનિલ ઓઝા ગુજરાતની 10મી અને 11મી વિધાનસભામાં ભાવનગર દક્ષિણ બેઠક પરથી બે વખત વિધાન સભ્ય રહી ચૂક્યા છે. એક સમયે ભાવનગર કોંગ્રેસનો મોટો ગઢ હતો. જોકે, આ કિલ્લો જીતવાનો શ્રેય સુનિલ ઓઝાને જાય છે, જે આજ સુધી અકબંધ છે.