જુઓ, હવે રાહુલ ગાંધીએ શું કર્યું, વીડિયો વાઈરલ
રાયપુરઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અમુક રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે દેશની મોટી પાર્ટીના નેતાઓ હવે ચૂંટણીના પ્રચારમાં યેનકેન પ્રકારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી લોકોમાં એક્ટિવ મોડમાં આવી ગયા છે. ક્યારેક તે ખેડૂતોને મળે છે તો ક્યારેક બાઇક મિકેનિક્સ સાથે. આ સાથે તે સ્કૂટી અને ટ્રકમાં પણ મુસાફરી કરી રહ્યા છે. તાજેતરમાં છત્તીસગઢની મુલાકાત વખતે લાંબા અંતરની ટ્રેનના જનરલ ક્લાસમાં મુસાફરી કરીને ચર્ચામાં આવ્યા છે.
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની બાકી છે, પરંતુ ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચાર અને જાહેર સભાઓમાં વ્યસ્ત છે ત્યારે આજે રાહુલ ગાંધી છત્તીસગઢ પહોંચ્યા હતા. અહીંના એક કાર્યક્રમમાં ભાગ લીધા પછી તેઓ બિલાસપુરથી રાયપુર જવા માટે ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ અને રાજ્ય પ્રભારી કુમારી સેલજા પણ જોવા મળ્યા હતા.
આ પહેલા બિલાસપુરમાં હાઉસિંગ કોન્ફરન્સના મંચ પરથી જનતા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આજે હું અહીં આવીને આ બટન દબાવ્યું અને આ બટન દબાવવાની સાથે જ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના ખાતામાં 1200 કરોડ રૂપિયા પહોંચી ગયા. આજે અમારી છત્તીસગઢ સરકાર ગરીબોને ઘર બનાવવા માટે પૈસા આપી રહી છે.
આજે તમારા ખાતામાં 1200 કરોડ રૂપિયા આવી ગયા છે અને આગામી સમયમાં પણ આવા જ પૈસા તમારા ખાતામાં આવશે. ચૂંટણીના વખતે અમે ખેડૂતોની લોન માફી, વીજળીના બિલ માફી અને 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગર ખરીદવાનું વચન આપ્યું હતું અને અમે અમારું વચન પાળ્યું છે, એવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. અહીંની સભામાં કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીની પણ આકરી ટીકા રાહુલ ગાંધીએ કરી હતી.