ગૃહ મંત્રાલયમાં મહત્વની સુરક્ષા બેઠક: BSF, CRPF, CISF, NSGના અધિકારીઓ હાજર

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ સિક્યોરીટી ફોર્સીઝ જમ્મુ અને કાશ્મીરમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) ટેરર નેટવર્કને તોડી પાડવા કાર્યવાહી કરી રહી છે. આ સાથે ભારતના ઈન્ટેલીજન્સમાં ખામીઓ અંગે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. એવામાં આજે મંગળવારે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયમાં એક હાઈ લેવલ સિક્યોરિટી મિટિંગ (High level security meeting) યોજાઈ હતી, જેમાં દેશની આંતરિક સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), આસામ રાઇફલ્સ અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ના ડાયરેક્ટર જનરલ ઉપરાંત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ હાઈ લેવલ સિક્યોરિટી મિટિંગની અધ્યક્ષતા ગૃહ સચિવ ગોવિંદ મોહનને કરી હતી.
આ પણ વાંચો: પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી, મહિલાના નિવેદન બાદ ખચ્ચર માલિકની ધરપકડ…
જમ્મુ અને કાશ્મીરમાં કાર્યવાહી
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં, કામગીરીની સંવેદનશીલતાને કારણે કોઈ ચોક્કસ માહિતી શેર કરવામાં આવી રહી નથી.
જમ્મુ અને કાશ્મીર પોલીસે સોમવારે ડોડા જિલ્લામાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આતંકવાદ સાથે જોડાયેલા કેટલાક ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. શ્રીનગર પોલીસે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના સહયોગીઓના ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા હતા. પોલીસ પ્રેસ રિલીઝ અનુસાર, શ્રીનગરમાં કુલ 63 લોકોના ઘરોની તપાસ કરવામાં આવી હતી.