હિમાચલ પ્રદેશમાં આંતરિક કલહ શાંત કરવા કોંગ્રેસ પ્રમુખ ખડગેને સોંપાઈ સીક્રેટ રિપોર્ટ, જાણો વિગત
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં શરૂ થયેલો આંતરિક કલહ શાંત થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ નારાજ મંત્રી વિક્રમાદિત્યને સ્પષ્ટ કહી દીધું છે કે લોકસભા ચૂંટણી સુધી સીએમ પદને લઈ કોઈ ફેરફાર થવાનો નથી. જ્યારે અન્ય બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે પણ કોંગ્રેસ નેતૃત્વ તૈયાર નથી. આ દરમિયાન હિમાચલમાં ઉભા થયેલા સંકટના નિવારણ માટે રાજ્યમાં મોકલવામાં આવેલા પાર્ટી નિરિક્ષકોએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને તેમની ગુપ્ત રિપોર્ટ સોંપી દીધી છે. જો કે મીડિયા રિપોર્ટમાં આ ત્રણ પાનાની રિપોર્ટની માહિતી સામે આવી ગઈ છે. જેમાં પાર્ટીના નિરિક્ષકો હિમાચલ પ્રદેશના સીએમ સુખ્ખુ પાર્ટીમાં ઉત્પન્ન થયેલા સંકટને સમય પહેલા ઓળખી શકવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જણાયું છે. તે જ રીતે પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહને પણ રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા ક્રોસ વોટિંગ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં મુખ્યત્વે 8 પોઈન્ટ સામેલ કરવામાં આવ્યા છે.
શું છે આ ત્રણ પાનાના રિપોર્ટમાં?
- CM સુખ્ખુની ભૂમિકા
રિપોર્ટમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ વિશેની અજ્ઞાનતા માટે સીએમ સુખુની ટીકા કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીએમ કેવી રીતે કહી શકે કે તેમને ક્રોસ વોટિંગ વિશે કોઈ જાણકારી નથી? તે અસ્વીકાર્ય છે કે તે તેના જૂથને એકસાથે રાખવામાં અસમર્થ હતો અને તે શંકાસ્પદ છે કે તે ભવિષ્યમાં બળવાને નિયંત્રિત કરી શકશે કે કેમ.
- મંત્રી વિક્રમાદિત્યની ભૂમિકા
તેની બેઠકો પછી નિરીક્ષકોની પેનલે શોધી કાઢ્યું કે આ સમગ્ર સંકટમાં વિક્રમાદિત્યની ભૂમિકા પક્ષની શિસ્ત ભંગ કરવા સમાન છે. તેની ક્રિયાઓ ઘણી શંકાઓ ઊભી કરે છે કે શું આગળ જતાં તેના પર વિશ્વાસ કરી શકાય?
- બળવાખોર ધારાસભ્યોની ભૂમિકા
ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા બળવાખોર કોંગ્રેસના ધારાસભ્યોને મોટી રકમ ચૂકવી છે અને ભાજપ સતત કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.
- ઝડપી સુધારા કરો
નિરીક્ષકોએ સરકાર અસ્થિર ન થાય તેની ખાતરી કરવા માટે ઘણા ઝડપી સુધારાની સલાહ આપી છે. આમાં આદર્શ આચાર સંહિતા લાગુ થયા પહેલા લગભગ 12 અસંતુષ્ટ ધારાસભ્યોને કોર્પોરેશન અને અન્ય હોદ્દા આપવાનો સમાવેશ થાય છે.
- પ્રતિભા સિંહ સામે કાર્યવાહી થાય
પેનલે પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને પ્રસ્તાવ મૂક્યો હતો કે તેમણે લોકસભાની ચૂંટણી લડવી જોઈએ અને પ્રદેશ પ્રમુખનું પદ અન્ય કોઈને આપવામાં આવે.
- CM પદ પર યથાસ્થિતિ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજવામાં આવે. આ સંજોગોમાં લોકસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલવા તે યોગ્ય નથી.
7.સંકલન સમિતિ બનાવો
નિરીક્ષકોએ તેમના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં સંકલન સમિતિની જાહેરાત થવી જોઈએ અને તેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા પ્રસ્તાવિત બે નેતાઓનો સમાવેશ થવો જોઈએ.
- ભાજપ તોડી શકે બળવાખોર ધારાસભ્યોને
કોગ્રેસ પક્ષના ઉચ્ચ નેતૃત્વને સોંપવામાં આવેલા અહેવાલમાં નિરીક્ષકોએ સંકેત આપ્યો છે કે બળવાખોર ધારાસભ્યોના મંતવ્યો અલગ-અલગ છે, તેથી તેમને ભાજપ તોડી શકે છે. તેથી તેમને મનાવીને સરકારમાં પાછા સામેલ કરવામાં આવે.
શું થયું હતું હિમાચલ પ્રદેશમાં?
ઉલ્લેખનિય છે કે હિમાચલ પ્રદેશ સરકારનું આ સંકટ રાજ્યસભા ચૂંટણી દરમિયાન થયું હતું. હિમાચલની એક સીટ પર રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને લઈને કોંગ્રેસ પાર્ટીમાં હડકંપ મચી ગયો હતો કારણ કે અહીં કોંગ્રેસ બહુમતીમાં છે, જ્યારે ભાજપ પાસે માત્ર 25 ધારાસભ્યો હતા. કોંગ્રેસના છ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. આ રીતે કોંગ્રેસના 6 ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ચૂંટણી પહેલા છાવણી બદલી અને ભાજપ માટે ક્રોસ વોટિંગ કર્યું હતું. જેના કારણે ભાજપના ઉમેદવારની જીત થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા. આ પછી સુખુ સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા હતા. ત્યારથી કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત છે. પાર્ટી સતત કહી રહી છે કે સુખુ સરકારને કોઈ ખતરો નથી.