શિમલામાં મોસમની બીજી હિમવર્ષાઃ સફરજનની સારી ઉપજની આશા જગાવી…

શિમલાઃ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સોમવારે મોસમની બીજી હળવી હિમવર્ષા થઇ હતી. પરિણામે પર્યટકો, સ્થાનિક લોકો અને ખુડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. શહેરના રીજ અને મોલ રોડ પર પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
હવામાન અધિકારીના જણાવ્યા અનુસાર કુફરી અને નારકંડા જેવા નજીકના પર્યટન સ્થળો ઉપરાંત ખડાપત્થર, ચૌધર અને ચાંશલ જેવા ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઇ હતી. સ્થાનિક હવામાન વિભાગે સોમવાર, મંગળવાર, શુક્રવાર અને શનિવારે મધ્ય અને ઊંચાણવાળા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી હતી.
આ પણ વાંચો: શિમલામાં માર્ગ અકસ્માત, 6 મજૂરોના મોત, 6 ઘાયલ
સફરજન માટે ‘સફેદ ખાતર’ કહેવાતી હિમવર્ષાએ ઉપરી શિમલા ક્ષેત્રના ખેડૂતોમાં સારી ઉપજની આશા જગાવી છે. સફરજનની ખેતી હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થામાં લગભગ ૫૦૦૦ કરોડનું યોગદાન આપે છે.
હિમવર્ષાને કારણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. જેનાથી સ્થાનિક પ્રવાસન વ્યવસાયને વેગ મળશે. સ્થાનિક હોટેલિયર સુશાંત નાગે જણાવ્યું કે હિમવર્ષા થવાથી પ્રવાસીઓના આકર્ષાવાથી હોટેલોમાં ભીડ વધવાની શક્યતા છે.
શિમલાના અન્ય હોટેલિયર રાહુલ ચાવલા જણાવે છે કે ક્રિસમસ પહેલા હિમવર્ષા અને આગામી દિવસોમાં વધુ હિમવર્ષાની આગાહીને કારણે પ્રવાસીઓના પ્રવાહમાં ૫૦ ટકાનો વધારો થઇ શકે છે.
આ પણ વાંચો: શિમલામાં મસ્જિદ વિવાદમાં હિંસક પ્રદર્શનઃ 50 લોકો વિરુદ્ધ કેસ, દિગ્ગજ નેતાઓનો નામ સામેલ
શિમલા હોટેલ એન્ડ ટુરિઝમ સ્ટેકહોલ્ડર્સ એસોસિએશનના અધ્યક્ષ એમ. કે. સેઠે અગાઉ જણાવ્યું હતું કે ક્રિસમસ માટે ભારે બુકિંગ છે અને નવા વર્ષ માટે ૩૦ ટકાથી વધુ એડવાન્સ બુકિંગ છે. દરમિયાન હિમાચલ પ્રદેશના નીચલા પહાડી વિસ્તારોમાં તીવ્ર ઠંડીનું મોજું જારી છે.
ઉના, હમીરપુર, ચંબા અને મંડીમાં શીત લહેરની સ્થિતિ પ્રવર્તી રહી છે અને સુંદરનગર ભીષણ ઠંડીની લપેટમાં છે. વિભાગે સોમવારે બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડી જિલ્લામાં ગુરુવાર સુધી ભીષણ ઠંડીનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.