નેશનલ

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી, રાજસ્થાનમાં 47 ડિગ્રીને પાર થયું તાપમાન

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજધાની દિલ્હીમાં રવિવારથી તાપમાનનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે અને આગામી ત્રણ દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં માત્ર દિવસે જ નહીં રાત્રે પણ તાપમાન સામાન્યથી વધારે નોંધાઈ રહ્યું છે. જેને વોર્મ નાઈટ કંડીશંસના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવી છે.

દિલ્હી સિવાય ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પંજાબના ભટિંડામાં તાપમાન 47.6 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આઈએમડીએ ગંભીર હીટવેવ જાહેર કર્યું હતું. પશ્ચિમ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પણ 47.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પૂર્વ રાજસ્થાનના કોટામાં 46.3 ડિગ્રી, હરિયાણાના સિરસામાં 46.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો -‏‏‎ દેશમાં રેકોર્ડ સ્તરે પહોંચી વીજળીની માંગ, જાણો શું છે કારણ

ત્રણ દિવસ રહેશે ગરમીનું મોજું

ગરમીએ ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતને ઝપેટમાં લીધું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન જેવા રાજ્યોમાં તાપમાન 44 થી 47 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું હતું. હવામાન વિભાગ મુજબ, આગામી ત્રણ દિવસ સુધી ગરમીનું મોજું રહેશે. આ દરમિયાન અનેક જગ્યાએ લૂનો પ્રકોપ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, છેલ્લા થોડા દિવસોથી ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થયો છે. તેની સાથે ઉત્તર પશ્ચિમ ભારતમાં એન્ટી સાયક્લોનિક સર્કુલેશનના કારણે તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં હીટવેવની સ્થિતિ છે. આઈએમડી અનુસાર આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. કેટલાક વિસ્તારમાં વરસાદની પણ સંભાવના છે, જેનાથી તાપમાન થોડું ઘટી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button