15મી ઓગસ્ટના દિવસે મીઠાઈ ના આપી તો વિદ્યાર્થીઓએ શિક્ષકને મેથીપાક આપ્યો
બક્સર: બિહારના બક્સરમાં સ્વતંત્રતા દિવસના અવસર પર એક સરકારી શાળાના વિદ્યાર્થીઓ મીઠાઈ ન મળવાને કારણે એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ શાળાના શિક્ષકોને જ દોડાવી દોડાવીને માર માર્યો. આ ઘટના મુરાર પોલીસ સ્ટેશન વિસ્તારની એક હાઈસ્કૂલમાં બની હતી. અહી હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓમાં રસગુલ્લાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્કૂલ મેનેજમેન્ટ કેમ્પસની અંદરના વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી રહ્યું હતું, ત્યારબાદ કેમ્પસની બહાર ઉભેલા વિદ્યાર્થીઓએ રસગુલ્લા આપવાની માંગ કરી હતી.
ત્યારબાદ શિક્ષકો દ્વારા કહેવામાં આવેલી અમુક વાતોથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને વિવાદ એટલી હદે વધી ગયો હતો કે મામલો મારપીટ સુધી પહોંચી ગયો. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાના કેટલાક શિક્ષકોને માર માર્યો હતો. આ ઘટના વિશે માહિતી આપતા મુરાર પોલીસ સ્ટેશનના પ્રભારી કમલ નારાયણ પાંડેએ જણાવ્યું હતું કે સ્કૂલ કેમ્પસમાં ધ્વજ લહેરાવતી વખતે મીઠાઈને લઈને ઝઘડો થયો હતો અને પોલીસને આ મામલે માહિતી મળી હતી કે શાળામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને મીઠાઈને લઈને ઝઘડો થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ‘છોકરીઓ, ભારત નહીં આવો…’, કોલકાતા બળાત્કાર કેસ પર ઇન્ફ્લુએન્સરની પોસ્ટે હોબાળો મચાવ્યો
પોલીસે શિક્ષકો અને આચાર્યને બોલાવ્યા:
આવી સ્થિતિમાં જ્યારે હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક મનોજ કુમાર સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે બહાર વિદ્યાર્થીઓ દ્વારા મીઠાઈની માંગ કરવામાં આવી હતી, પરંતુ તે આપવામાં આવી ન હતી. આથી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. શાળાના કેટલાક શિક્ષકો ઘરે જઈ રહ્યા હતા ત્યારે બહાર ઉભેલા વિદ્યાર્થીઓએ તેમની સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે શાળાના શિક્ષકો અને આચાર્યને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે અને પોલીસ સમગ્ર મામલાની માહિતી મેળવીને આગળની કાર્યવાહી કરશે.
બધાને મીઠાઇ આપવાની જૂની પરંપરા:
આ ઘટના અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે શાળાની અંદર મીઠાઈ વહેંચવામાં આવી રહી હતી પરંતુ બહાર ઉભેલા વિદ્યાર્થીઓને મીઠાઈ નહોતી આપવામાં આવી રહી, જ્યારે જૂની પરંપરા રહી છે કે શાળાની અંદર તેમજ શાળાની બહાર પણ મીઠાઈ વહેંચવામાં આવે છે. આવી સ્થિતિમાં બહાર ઉભેલા વિદ્યાર્થીઓ દ્વારા મીઠાઈ મંગાવવામાં આવી હતી. શિક્ષકોના ગેરવર્તણૂક બાદ વિદ્યાર્થીઓ ગુસ્સે થયા અને શિક્ષકોને મીઠાઈ ખવડાવી માર માર્યો.