સુરતમાં શાળાના બાળકો નશાના રવાડે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સ્કૂલ બેગમાં નશો ચડે એવી સોલ્યુશન ટ્યુબ રાખી વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બેગમાં નાખીને નશો કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સુરતમાં બન્યો હતો. આ ટ્યૂબના સેવનથી દારૂ કરતાં પણ વધુ નશો ચડે એવું માનવામાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં બાળકોની સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યૂબ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બાળકો સ્કૂલ બેગમાં પુસ્તકોની સાથે નશાનો સામાન રાખતા હતા. વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બેગમાં નાખીને નશો કરતા હતા. સુરતમાં ટાયર
સોલ્યુશનની ટ્યુબથી નશો કરવાના રવાડે બાળકો ચડી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો. બાળકોની સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યુબ મળી આવી અને ખુલાસો થયો કે, આ બાળકો પ્લાસ્ટિકની બેગમાં સોલ્યુશન નાંખી નશો કરતા હતા. સોસાયટીની એક વ્યક્તિએ શંકા જતાં તેમની સ્કૂલબેગ ચેક કરી ત્યારે તેમાંથી સોલ્યુશનની ટ્યુબ અને પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી.
આ તમામ વિદ્યાર્થીઓ ટીનેજર છે અને અભ્યાસ કરવાની ઉંમરે વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડી રહ્યા હોવાની વાત આઘાતજનક ગણાય. આ લાલબત્તી ધરતાં કિસ્સાથી તમામ વાલીઓએ જાગૃત રહી તેમના સંતાનો પર ધ્યાન આપી તેમને નશાના રવાડે ચડતા અટકાવવાની જરૂર હોવાનું બાળકોની બેગ તપાસનાર વ્યક્તિએ જણાવ્યું હતું.
પાંડેસરામાં વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં ટાયર સોલ્યુશન ટ્યુબ મળી આવવાનો મામલો સામે આવ્યા બાદ સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાંડેસરમાં વધુ પ્રમાણમાં શાળાએ જતા બાળકો નશાના રવાડે ચઢી રહ્યા છે. વિદ્યાર્થીઓ ટ્યુબ પ્લાસ્ટિકની થેલીમાં નાખી નશો કરતા હોવાની શંકા પરથી સોસાયટીના વ્યક્તિએ સ્કૂલ બેગ ચેક કરતા ટ્યુબ, પાલસ્ટિક થેલી મળી આવી હતી.