ભૂકંપ બાદ ચારેતરફ તારાજીનાં દૃશ્યો: ૮૧નાં મોત, અનેક ગુમ
સુઝુ: જાપાનના પશ્ર્ચિમી દરિયાકાંઠે ભૂકંપ બાદ ચારેતરફ તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અત્યાસુધીમાં ૮૧નાં મોત અને અનેક લોકો ગુમ હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.
ઊંડી વિશાળ તિરાડો સાથે રસ્તાઓ પર વાંકાચૂકી પડેલી કારો, છત વગરના એકબાજુ ઢળેલા મકાનો, સ્વજનો અને ઘરવખરી ગુમાવનાર દુ:ખી અને ત્રસ્ત થયેલા લોકો સર્વત્ર નજરે પડે છે.
સુઝુ શહેરમાં આવા દુ:ખદ દૃશ્ય સોમવારના ૭.૬ તીવ્રતાના ભૂકંપ પછી જાપાનના પશ્ચિમી દરિયાકાંઠા પરના ઇશિકાવા પ્રીફેક્ચર અને નજીકના વિસ્તારોમાં જોવાં મળી રહ્યા છે.
ઇશિકાવાના અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલાં લોકોમાંથી ૪૭ લોકો વાજિમા શહેરમાં હતા અને ૨૩ સુઝુમાં હતા. અન્ય ૧૧ પાંચ પડોશી શહેરોમાં નોંધાયા હતા. ૩૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે, અને અનેકની હાલત ગંભીર છે.
ગુમ થયેલા લોકોની સંખ્યા રાતોરાત ૧૫ થી વધીને ૭૯ થઈ ગઈ છે. અધિકારીઓએ શરૂઆતમાં જણાવ્યું હતું કે ૮૦ ગુમ હતા પરંતુ બાદમાં આ સંખ્યા સુધારી હતી.
જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો તેમના પ્રિયજનો સાથે નવા વર્ષની મુલાકાત લેતા હતા તે બાબત વધુ વકરી હતી. વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ પ્રારંભિક ૧૦૦૦ ઉપરાંત લગભગ ૩૬૦૦ સૈનિકો સાથે બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવી છે.