એક પણ ભારતીયને શુદ્ધ હવા નથી મળતી, પ્રદૂષણ અંગેનો આ ડરામણો રિપોર્ટ જાણો
નવી દિલ્હીઃ ભારતમાં પ્રદૂષણને લઈને સ્થિતિ ખૂબ જ ખરાબ છે. WHO ના ધોરણો મુજબ કોઈ પણ ભારતીયને શુદ્ધ હવા મળતી નથી અને દર વર્ષે આશરે 15 લાખ લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. હાલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આવો દાવો કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં નિર્ધારીત ધોરણ કરતા વધુ પ્રદૂષણ છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે અને તેમના આરોગ્યને અવળી અસર થઇ રહી છે.
આ અભ્યાસમાં એમ જણાવવામાં આવ્યું છે કે દેશના 81.9 ટકા લોકો એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં હવાની ગુણવત્તા ઘણી નબળી છે. આપણે રાજધાની દિલ્હીની જ વાત કરીએ તો દિલ્હીની ગણના વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં થાય છે. ભારતની રાજધાની દર શિયાળામાં ધુમાડાની ચાદરથી ઢંકાયેલી હોય છે. વાહન અને કારખાનાના ધુમાડા સાથે આસપાસના રાજ્યોમાં પરાલી સળગાવવાથી શહેરમાં ધુમ્મસનું વાતાવરણ સર્જાય છે.
આ ધુમ્મસમાં PM 2.5 જેવા ખતરનાક સૂક્ષ્મ કણો મળી આવ્યા છે, જેનું સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિર્ધારિત મર્યાદા કરતા 50 ગણું વધારે છે. જોકે , દેશના અન્ય શહેરોની હાલત પણ ખાસ કંઇ સારી નથી. અહીં પણ વાયુ પ્રદૂષણ તેના નિયત સ્તર કરતા ઘણું વધારે જ છે.
PM 2.5 જેટલું વાયુ પ્રદૂષણ લોકોના શ્વસન તંત્રને અસર કરે છે. આ ઉપરાંત લોકોને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે. એને કારણે બ્લ્ડ પ્રેશરનું જોખમ પણ વધે છે અને બાળકોનો યોગ્યવિકાસ પણ રૂંધાઇ જાય છે. ભારતમાં સૌથી ઓછું પ્રદૂષણ અરૂણાચલ પ્રદેશમાં અને સૌથી વધારે પ્રદૂષણ ગાઝિયાબાદ, દિલ્હી જેવા શહેરોમાં જોવા મળે છે.
આ પણ વાંચો…શિયાળુ સત્રમાં One Nation, One Electionની ચર્ચા સ્થગિત! સરકાર મુંજવણમાં?
પ્રદૂષણ વિશેના અભ્યાસમાં સામેલ એક ડૉક્ટરે જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણની દેશના લોકોના આરોગ્ય પર ઘણી જ ખરાબ અસર થઇરહી છે. એને (વાયુ પ્રદૂષણને) રોકવા માટે પગલાં ઉઠાવવાની જરૂર છે. એ ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી વસ્તુઓ (જેવી કે નિર્માણ, વાહન પ્રદૂષણ, પરાલી બાળવાથી થતું પ્રદૂષણ) પર લગામ તાણવાની પણ જરૂર છે. જો વાયુ પ્રદૂષણ ઓછું થશે તો તેના કારણે થતાં લોકોના મોત પણ ઓછા થશે અને લોકોનું આરોગ્ય પણ સુધરશે.