બેંગલુરુ રોડ રેજનો કંપારી છૂટે તેવો વીડિયોઃ કારચાલક અને પત્નીને 14 દિવસની કસ્ટડી

બેંગલુરુઃ બેંગલુરુમાં એક ફૂડ એપના ડિલિવરી બૉય પર કાર ફેરવી દેવાના કેસમાં કારચાલક કપલ અને પત્નીને 14 દિવસની કસ્ટડી કોર્ટે આપી છે, ત્યારે બીજી બાજુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. એક સામાન્ય રોડ રેજની ઘટનાનો આટલો કરૂણ અંજામ આવી શકે તે જોઈ હતાશ થઈ જવાય તેમ છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર દર્શન નામનો 24 વર્ષીય ડિલિવરી બૉય સ્કૂટર ચલાવતો હતો અને તેની પાછળ મિત્ર વરૂણ બેઠો હતો. દર્શનનું સ્કૂટર એક કાર સાથે થોડું જ અથડાયું અને કારના મિરરને નુકસાન થયું. તેણે કારચાલકની માફી માગી અને ત્યાંથી નીકળી ગયો, પરંતુ કારચાલકનું પોતાના ગુસ્સા પર નિયંત્રણ ન રહ્યું અને તેણે યુ ટર્ન લઈ દર્શનની સ્કૂટર પર જ કાર ચડાવી દીધી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. તે સમયે આ હીટ એન્ડ રનનો કેસ નોંધાયો હતો. દર્શનનું હૉસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નિપજ્યું હતું જ્યારે વરૂણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
જોકે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ મામલો રોડ રેજમાં બદલાઈ ગયો હતો. દર્શનને જે કારને ટક્કર મારી હતી તે કારચાલક મનોજ કુમાર(32) અને તેની પત્ની આરતી શર્માએ યુ ટર્ન લીધો હતો અને કારને રીતસરની દર્શનના સ્કૂટર પર ચડાવી દીધી હતી અને પછી ત્યાંથી નાસી છૂટ્યા હતા. એટલું જ નહીં તેઓ ફરી પાછા એ સ્પોટ પર આવ્યા હતા જ્યાં તેમની ટક્કર થઈ હતી ત્યાંથી કાચના ટૂંકડા વગેરે ભેગા કરી તેઓ ભાગ્યા હતા. બન્નેએ માસ્ક પહેર્યો હતો, પરંતુ તેમના ચહેરા સીસીટીવી પર દેખાઈ ગયા હતા અને પોલીસે તેમને પકડી પાડ્યા હતા.
રોડ રેજના આવા ઘણા કિસ્સા બને છે જ્યાં બે વાહનચાલક વચ્ચે મારામારી થાય છે અને વાત હત્યા સુધી પહોંચી જાય છે.
આ પણ વાંચો…રોડ રેજની ઘટના બાદ ક્લીનરનું અપહરણ: ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરના પિતાને આગોતરા જામીન મળ્યા



