નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના(Supreme Court)ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા યુપી મદરેસા એક્ટ 2004ને બંધારણીય જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેટલીક જોગવાઈઓ સિવાય ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ 2004ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું છે.આ પૂર્વે 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપી મદરસા બોર્ડ એક્ટને ગેરબંધારણીય જાહેર કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે 5 એપ્રિલે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.
17 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર
આ અંગે સુપ્રીમ કોર્ટમાં વિગતવાર સુનાવણી થઈ હતી. જે બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે 22 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી યુપીની 16000થી વધુ મદરેસાઓમાં ભણતા 17 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે યુપી મદરેસા એક્ટની તમામ જોગવાઈઓ મૂળભૂત અધિકારો અથવા બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી. કોર્ટે તેને બંધારણીય જાહેર કર્યો છે. આ કાયદો મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકારે વર્ષ 2004માં પસાર કર્યો હતો.
Also read: રૂ. 6970 કરોડ હજુ પણ લોકો પાસે… RBI નું રૂ. 2000 ની નોટ પર અપડેટ
સરકાર મદરેસાઓનું નિયમન કરી શકે
સુપ્રીમ કોર્ટે યુપી મદરસા એક્ટને બંધારણીય જાહેર કર્યો અને કહ્યું કે સરકાર મદરેસાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે મદરેસાઓનું નિયમન કરી શકે છે. આ નિર્ણય બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે યુપીના મદરેસાઓ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી લગભગ 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.