SCએ ‘Shahi Eidgah મસ્જિદ’ના સર્વે પર મૂક્યો સ્ટે
નવી દિલ્હીઃ મંગળવારે સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદના સર્વેના અલ્લાહબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો છે. મથૂરાના ક્રિષ્ણભૂમિ મંદિર પ્રાંગણનો આ વિવાદ છે. મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.
કોર્ટે મસ્જિદનું નિરીક્ષણ કરવા માટે કમિશનર (કોર્ટ કમિશનર) નીમવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવ્યો છે. જો કે કોર્ટે કહ્યું છે કેસની સુનાવણી ચાલુ રાખવી જોઈએ. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે શાહી ઈદગાહ મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન પર સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટના 14 ડિસેમ્બરના આદેશ પર સ્ટે મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના આદેશમાં કોર્ટ કમિશનર નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ એડવોકેટ કમિશનરે મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો હતો. મસ્જિદ સમિતિ વતી એડવોકેટ તસ્નીમ અહમદી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. વકીલે દલીલ કરી હતી કે જ્યારે મથુરા કેસને પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, 1991 હેઠળ ફગાવી દેવાની અરજી હજુ પેન્ડિંગ છે ત્યારે હાઈકોર્ટ સર્વેક્ષણનો આદેશ આપી શકે નહીં. સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમની દલીલ સ્વીકારી હતી અને હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 15 ઓગસ્ટ, 1947 પછી દેશના તમામ ધાર્મિક સ્થળોની જેમ હોય તેમ જાળવી રાખવાના અનુસંધાનમાં પીવી નરસિમ્હારાવ સરકારના સમયમાં બનાવામાં આવ્યો હતો. કાયદાની જોગવાઈઓ હેઠળ, મસ્જિદ સમિતિએ મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ કેસને બરતરફ કરવાની અપીલ કરી હતી, જેની સુનાવણી બાકી છે.