
નવી દિલ્હીઃ અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પર સ્ટે આપ્યો છે. તેમજ ખનન અંગે સરકાર પાસે સ્પષ્ટતાઓ માંગવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, 20 નવેમ્બરના આદેશને આગામી સુનાવણી સુધી લાગુ નહીં કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરી, 2026ના રોજ થશે.
CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ‘અરવલ્લી’ની વ્યાખ્યાના સંદર્ભમાં તપાસવા યોગ્ય મુદ્દાઓનો અભ્યાસ કરવા માટે એક નવી નિષ્ણાત સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ કેસમાં કેન્દ્ર સરકાર અને અરવલ્લી શ્રેણી ધરાવતા ચાર રાજ્યો – રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને હરિયાણાને નોટિસ પાઠવીને તેમનો જવાબ પણ માંગ્યો છે.
કોર્ટે કહ્યું કે, 20 નવેમ્બરનો આદેશ લાગુ કરત પહેલા એક નિષ્પક્ષ રિપોર્ટ જરૂરી છે. અરવલ્લી પર્વતમાળા અને રેન્જની પરિભાષા, 500 મીટરથી વધુની સ્થિતિ, ખનન પર રોક કે મંજૂરી તથા તેના વિસ્તારને લઈ ઉભી થયેલી ગૂંચવણ દૂર કરવા જણાવ્યું છે.
ભારતની જ નહીં વિશ્વની પ્રાચીન પર્વતમાળા
ઉલ્લેખનીય છે કે અરવલ્લી પર્વતમાળા ઉત્તર-પશ્ચિમ ભારતની એક પર્વતશૃંખલા છે. ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાનની સળંગ લંબાઈમાં થઈને જનોઈવઢ પસાર થતી, દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી અને આશરે 800 કિમી. લંબાઈવાળી છે. તેનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં માઉન્ટ આબુ ખાતે આવેલું ‘ગુરુ શિખર’ છે. ગુજરાતમાં તે ઉત્તર ભાગમાં અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં વિસ્તરેલી છે. અરવલ્લીની ગિરિમાળા ભારતની તો અતિ પ્રાચીન પર્વતમાળા છે જ, પરંતુ દુનિયાની પણ અતિપ્રાચીન પર્વતમાળાઓ પૈકીની એક ગણાય છે. તેનાં 1,200થી 1,500 મીટર ઊંચાઈ ધરાવતાં શિખરો પૈકી માઉન્ટ આબુનું 722 મીટર ઊંચું ગુરુશિખર આ ગિરિમાળાનું સૌથી ઊંચું શિખર છે.
આ પણ વાંચો…અરવલ્લી બચાવો અભિયાન કોના માટે? કોંગ્રેસના શાસનમાં રાજસ્થાનના 31 પર્વતો નષ્ટ થયાનો ખુલાસો



