
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ મામલે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પ્રશાસનને ઈન્ટરનેટ પ્રતિબંધ સંબંધિત સમીક્ષા આદેશ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાસનને કહ્યું કે આ પ્રકારના આદેશોને કબાટમાં ન રાખવા જોઈએ. સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રના વકીલને આ મામલે સૂચનાઓ લેવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પાસેથી જાણવા માંગ્યું હતું કે અનુરાધા ભસીન કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય હેઠળ ઈન્ટરનેટ પ્રતિબંધ સંબંધિત સમીક્ષા આદેશો સાર્વજનિક કરવામાં આવ્યા હતા કે નહીં. ત્યારબાદ કોર્ટે એવી ટકોર કરી હતી કે આ આદેશોને કબાટમાં રાખવા જોઈએ નહીં.
બેન્ચે કેન્દ્રશાસિત પ્રદેશ માટે હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજની દલીલને ફગાવી દીધી હતી કે, કોર્ટ સમક્ષની તત્કાળ અરજીમાં બંધારણની કલમ 370 નાબૂદ કરતી વખતે લાદવામાં આવેલા આવા પ્રતિબંધોને લગતી ચર્ચાઓ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
નટરાજે કહ્યું કે અરજદારની અરજી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ટરનેટ પ્રતિબંધો સંબંધિત સમીક્ષા આદેશોના સંબંધમાં થયેલી ચર્ચાઓ વિશે માહિતી પ્રકાશિત કરવાની છે. આના પર ખંડપીઠે નટરાજને ચર્ચા વિશે ભૂલી જવા કહ્યું. તમે ઓર્ડર પ્રકાશિત કરો. શું તમે નિવેદન આપી રહ્યા છો કે સમીક્ષા ઓર્ડર પ્રકાશિત કરવામાં આવશે? ત્યારે નટરાજે કહ્યું કે તેમણે આ મામલે નિર્દેશ મેળવવા પડશે.
દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું હતું કે ચર્ચા-વિચારણા પ્રકાશિત કરવાની જરૂર નથી. જો કે, સમીક્ષા પસાર કરતા ઓર્ડર પ્રકાશિત કરવા જરૂરી રહેશે. કોર્ટે નટરાજને નિર્દેશો લેવા માટે માટે બે અઠવાડિયાનો સમય આપ્યો હોવાનું અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.