નવી દિલ્હી: વિવિધ રાજ્યની સરકારો અને સ્થાનિક પ્રસશાનો દ્વારા આરોપીઓના ઘર અને અન્ય મિલકતો પર બુલડોઝર ફેરવાઈ દેવાની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેંચે મહત્વની ટિપ્પણી કરી (Supreme Court about bulldozer action) હતી. કોર્ટે કહ્યું કે સરકારી સત્તાનો દુરુપયોગ ન થવો જોઈએ. અધિકારીઓ ન્યાયધીશ ના બને. આ સાથે કોર્ટે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી.
ગુનાની સજા ઘર તોડીને ન આપી શકાય: જસ્ટિસ ગવઈએ કવિ પ્રદીપની એક કવિતાને ટાંકીને કહ્યું હતું કે ‘ઘર એક સપના હૈ, જો કભી ના તૂટે.’ ન્યાયાધીશે વધુમાં કહ્યું કે ગુનાની સજા ઘર તોડીને ન આપી શકાય. ગુનામાં આરોપી બનવું અથવા દોષિત ઠરવું એ ઘર તોડી પાડવાનો આધાર ન હોઈ શકે.
Also read: Supreme Court એ યુપી મદરેસા એક્ટ 2004 અંગે આપ્યો આ મોટો ચુકાદો
બંધારણીય લોકશાહીમાં નાગરિકોના અધિકારોનું રક્ષણ જરૂરી: સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું, “અમે તમામ દલીલો સાંભળી. લોકતાંત્રિક સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા. ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા. ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ, ન્યાયમૂર્તિ પુટ્ટસ્વામી જેવા નિર્ણયોમાં નિર્ધારિત સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા. કાયદાનું શાસન સુનિશ્ચિત કરવું એ સરકારની જવાબદારી છે. બંધારણીય લોકશાહીમાં નાગરિક અધિકારોનું રક્ષણ જરૂરી છે.”
અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે: ન્યાયાધીશે વધુમાં કહ્યું કે લોકોને એ સમજવું જોઈએ કે તેમના અધિકારો આ રીતે છીનવી ન શકાય. સરકારી સત્તાનો દુરુપયોગ કરી શકાય નહીં. ટ્રાયલ વિના ઘર તોડીને કોઈને સજા થઈ શકે નહીં. અમારું તારણ છે કે જો વહીવટીતંત્ર મનસ્વી રીતે મકાનો તોડી નાખે તો તેના માટે અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે. ગુનાના આરોપીઓને પણ બંધારણ કેટલાક અધિકારો આપે છે. ટ્રાયલ વિના કોઈને પણ દોષિત માની શકાય નહીં.
અધિકારીઓ ન્યાયાધીશ ન બની શકે: સુનાવણી બેંચે કહ્યું કે, ગેરકાયદેસર પગલાં લેનારા અધિકારીઓને પણ સજા થવી જોઈએ. કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ. કોઈને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના મકાનો તોડી ન શકાય. અધિકારીઓ ન્યાયાધીશ ન બની શકે. કોઈને દોષિત ઠેરવીને ઘર તોડી ન શકાય.
કોર્ટે કહ્યું કે ‘માઈટ વોઝ રાઈટ’નો સિદ્ધાંત દેશમાં ચાલી શકે નહીં. ગુના માટે સજા કરવી એ કોર્ટનું કામ છે. નીચલી અદાલતે આપેલી ફાંસીની સજા ત્યારે જ લાગુ થઈ શકે જો હાઈકોર્ટ પણ તેની પુષ્ટિ કરે. આર્ટિકલ 21 (જીવનનો અધિકાર) હેઠળ માથા પર છત હોવી એ પણ મૂળભૂત અધિકાર છે.
Also read: સભ્ય સમાજમાં ‘Bulldozer Justice’ને કોઈ સ્થાન નથી, સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી
ગાઈડલાઈન્સ જાહેર: સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અંગે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. કોર્ટે કહ્યું કે સૌથી પહેલા બુલડોઝરની કાર્યવાહી અંગે નોટિસ આપવી પડશે. આ સિવાય તેમનો પક્ષ પણ સાંભળવો પડશે. પોસ્ટ દ્વારા નોટિસ મોકલવી ફરજિયાત રહેશે. નોટિસ અંગેની માહિતી ડીએમને પણ આપવાની રહેશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો પ્રક્રિયાનું પાલન કરવામાં નહીં આવે તો વળતર ચૂકવવું પડશે. જ્યારે ઘર સંપૂર્ણપણે ખાલી થઈ જાય ત્યારે જ કાર્યવાહી થઈ શકે છે અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવે.