સુપ્રીમ કોર્ટમાં દલીલ કરવા એડવોકેટે મોકલ્યો જુનિયર વકીલ તો….
SCએ ફટકાર્યો દંડ
નવી દિલ્હીઃ કોર્ટ કેસમાં દલીલો થાય, તારીખો પડે, આરોપીને દંડ કરવામાં આવે, કોર્ટનો ચૂકાદો આવે આવી બધી બાબતોથી આપણે વાકેફ છીએ, પણ હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી કંઇક અલગ પ્રકારનો મામલો સામે આવ્યો છે. હાલમાં એક વકીલ પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે તેને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
કોર્ટમાં કેસની સુનાવણી મુલતવી રાખવાની વિનંતી અંગે પોતાના સ્થાને જુનિયર વકીલને કોર્ટમાં મોકલવા બદલ ‘એડવોકેટ ઓન રેકોર્ડ’ ને રૂ. 2,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં જુનિયર વકીલ કોઈપણ તૈયારી વિના જ કોર્ટમાં હાજર થયા હતા. ‘એડવોકેટ ઓન રેકોર્ડ’ એ વકીલ છે જે ગ્રાહકોનું પ્રતિનિધિત્વ કરવા અને સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવા માટે અધિકૃત છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચ એક કેસની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન એક જુનિયર વકીલ બેન્ચ સમક્ષ હાજર થયા હતા. તેમણે મુખ્ય વકીલ ઉપલબ્ધ ન હોવાથી કેસની સુનાવણી મુલતવી રાખવા વિનંતી કરી હતી.
બેન્ચે કહ્યું, ‘તમે અમને આ રીતે હળવાશથી ન લઈ શકો. કોર્ટની કામગીરીમાં માળખાકીય ખર્ચનો સમાવેશ થાય છે. તમે દલીલ કરવાનું શરૂ કરો.’ જુનિયર વકીલે ખંડપીઠને જણાવ્યું હતું કે તેઓ આ કેસથી વાકેફ નથી અને તેમની પાસે આ મામલે દલીલ કરવાની કોઈ સૂચના નથી.
આના પર વાંધો ઉઠાવતા કોર્ટે ‘એડવોકેટ ઓન રેકોર્ડ’ને વીડિયો કોન્ફરન્સથી તુરંત હાજર કરવા કહ્યું હતું. ‘એડવોકેટ ઓન રેકોર્ડ’ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થયા હતા અને પોતાના વર્તાવ બદલ સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી.
સુપ્રીમ કોર્ટે એડવોકેટ ઓન રેકોર્ડ પર 2000 રૂપિયાનો દંડ લગાવ્યો હતો અને દંડની રકમ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં જમા કરાવવા અને રસીદ કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો.