
નવી દિલ્હી: મથુરા કૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહ મસ્જિદ સર્વે પર જે વચગાળાની રોકનો આદેશ આપ્યો હતો તેનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ સુધી વચગાળાની રોક યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. આથી હવે એપ્રિલમાં આ કેસની આગળની સુનાવણી યોજાશે. કોર્ટે તમામ પક્ષોને લેખિતમાં જવાબ દાખલ કરવાનું પણ જણાવ્યું છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે 16 જાન્યુઆરીના રોજ અલાહાબાદ હાઇ કોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિમણૂકના નિર્ણય પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અલાહાબાદ હાઇ કોર્ટમાં પણ સુનાવણી ચાલુ રહેશે, પરંતુ કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાની રોક ચાલુ રહેશે.
આ ઉપરાંત, કોર્ટે હિંદુ પક્ષની અરજી પર ટિપ્પણી કરી હતી કે તમારી અરજી અસ્પષ્ટ છે. તમે અરજીમાં ચોખવટ કરો કે તમારે શું જોઇએ છે. મહત્વનું છે કે ગત 14 ડિસેમ્બરના રોજ અલાહાબાદ હાઈ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ મસ્જિદ સંકુલના સર્વેક્ષણ માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂકની માંગ કરતી અરજી સ્વીકારી હતી. અગાઉ, કોર્ટમાં આ વિવાદ સાથે સંબંધિત કુલ 15 કેસ દાખલ થયેલા છે, આ તમામને એકીકૃત કરવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.
સમગ્ર વિવાદ શું છે તેની પર નજર કરીએ તો મથુરામાં જે સ્થળે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર છે તેની બાજુમાં જ શાહી ઇદગાહ મસ્જિદ આવેલી છે. હિંદુઓનો દાવો છે કે ઔરંગઝેબે કાશી અને મથુરામાં ઘણા મંદિરો તોડીને તે જમીન પર મસ્જીદો બનાવેલી છે. ઔરંગઝેબે ઇસવીસન 1669માં કાશીના વિશ્વનાથ મંદિરને અને 1670માં મથુરામાં કેસર કેશવદેવ મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. તેની જગ્યાએ જ્ઞાનવાપી મસ્જીદ અને શાહી ઇદગાહ મસ્જિદ ઊભી કરવામાં આવી હતી.
મુસ્લિમ પક્ષનું કહેવું છે કે મથુરામાં મંદિર વિવાદ મુદ્દે પહેલેથી એક કરાર થયેલો છે. વર્ષ 1968ના આ કરારમાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઇદગાહ કમિટી વચ્ચે થયેલા કરારમાં 13.37 એકર જમીનની માલિકી મંદિર ટ્રસ્ટને અપાઇ હતી, અને આ જમીન પર મંદિર અને મસ્જિદ બંને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાલમાં 10.9 એકર જમીનમાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન પાસે માલિકીનો હક છે અને અઢી એકર જમીન પર શાહી ઇદગાહ મસ્જીદ છે. હિંદુ પક્ષ માને છે કે આ અઢી એકરની જમીન પર ગેરકાયદે કબજો કરીને મસ્જિદ ઊભી કરવામાં આવી છે. તેઓ માગ કરી રહ્યા છે કે મસ્જિદ હટાવીને શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘને એ અઢી એકર જમીન આપી દેવામાં આવે. તેમણે જે અરજીઓ દાખલ કરી છે તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મસ્જીદની અંદર જે સ્તંભો છે તેમાં હિંદુ ધાર્મિક પ્રતીકો છે. શેષનાગની પ્રતિકૃતિ છે. આથી મસ્જિદના સર્વેની મોટા પાયે માગ ઉઠી છે.