SBI ઓફર કરી રહી છે ખાસ FD સ્કીમ, માત્ર 444 દિવસમાં મળશે આટલું વ્યાજ…
દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ‘અમૃત વૃષ્ટિ યોજના’ ઓફર કરી રહી છે. આ એક ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે, જે ગ્રાહકોને ટૂંકા ગાળામાં સારા વ્યાજ દરે વળતર મેળવવાની તક આપે છે. આ યોજના 16મી જુલાઈ 2024ના રોજ શરૂ થઈ હતી અને 31મી માર્ચ 2025 સુધી યોજનામાં રોકાણ કરી શકાય છે.
આ પણ વાંચો : SBIમાં છે તમારું ખાતું? આ માહિતી જાણી લેશો તો ફાયદામાં રહેશો…
તો ચાલો આપણે જાણીએ કે આ SBI અમૃત વૃષ્ટિ યોજના શું છે?
SBIની અમૃત વૃષ્ટિ યોજના એક ટર્મ ડિપોઝિટ સ્કીમ છે, જેનો સમયગાળો 444 દિવસનો છે. એટલે કે તેમાં 444 દિવસ સુધી પૈસાનું રોકાણ કરવામાં આવે છે. આ યોજનામાં સામાન્ય ગ્રાહકોને વાર્ષિક 7.25% વ્યાજ આપવામાં આવે છે અને વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ આપવામાં આવે છે. દેશના નાગરિકો અને NRI ગ્રાહકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાના કેટલાક નિયમો અને શરતો પણ છે.
આ યોજના એવી ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ થશે જેની રોકાણની રકમ રૂ.3 કરોડથી ઓછી છે. આ નિયમ નવી થાપણો અને હાલની થાપણોના રિન્યુઅલ પર પણ લાગુ થશે. જોકે, રિકરિંગ ડિપોઝિટ, ટેક્સ સેવિંગ ડિપોઝિટ, એન્યુઇટી ડિપોઝિટ અને મલ્ટિ-ઑપ્શન ડિપોઝિટ પર આ નિયમ લાગુ થતો નથી.
આ યોજના હેઠળ તમે મિનિમમ રૂ1,000ની ડિપોઝીટથી રોકાણ કરી શકો છો. જોકે, મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી. આ યોજનામાં વ્યાજ માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે.
ગ્રાહકને ક્યારેક જરૂર પડે અને અધવચ્ચે જ તેની ડિપોઝીટ તોડવી પડે તો તે અંગે પણ કેટલાક નિયમો છે. રૂ. 5 લાખ સુધીની થાપણો પર 0.50% દંડ પેટે લેવામાં આવે છે. રૂ.5 લાખથી રૂ. 3 કરોડ સુધીની ડિપોઝીટ પર 1% દંડ વસુલ કરવામાં આવે છે. SBI સ્ટાફ અને પેન્શનરોને આ દંડ લાગુ નથી પડતો. ડિપોઝીટ કર્યાના 7 દિવસની અંદર જ પૈસા ઉપાડવામાં આવે તો ડિપોઝીટ પર કોઈ વ્યાજ આપવામાં આવશે નહીં.
આ સ્કીમ હેઠળ જમા રકમ પર લોન લઈ શકાય છે અને મળતા વ્યાજ પર ટીડીએસ કાપવામાં આવે છે. ટૂંકા ગાળાની બચત અને સારા વળતરની શોધ કરનારાઓ માટે અમૃત વૃષ્ટિ યોજના એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જો કે, તે લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય નથી.
આ પણ વાંચો : SBI Alert! રિવોર્ડની લાલચમાં ખાલી થઈ શકે છે બેંક ખાતું, SMS દ્વારા થઈ રહ્યો છે ફ્રોડ
ગ્રાહકો SBI શાખાઓ, YONO SBI અને YONO Lite મોબાઈલ એપ્સ અથવા ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા રોકાણ કરી શકે છે. જો તમે 444-દિવસનો સમયગાળો પસંદ કરો છો તો આ યોજના આપમેળે લાગુ થઇ જશે.