બોલો આમાં જાનવર કોણ?
બદાયુ: આપણે સોશિયલ મીડિયા પર ઘણી વાર એવા વીડિયો જોતાં હોઇએ છીએ કે જેમાં લોકો પોતાના પાળેલા પ્રાણીઓને વહાલ કરતા જોયા હશે તો ઘણા માણસોને આવા જ પ્રાણીઓથી કોણ જાણે શું પરેજ હોય કે તેઓ અમાનવીય વર્તન પણ કરતા હોય છે. આવી જ એક ઘટના બદાયુના ઇસ્લામાનગરમાં જોવા મળી હતી. જેમાં એક યુવકે વાંદરાના હાથ બાંધીને તેને 200 મીટર સુધી ખેંચીને ઝાડીઓમાં ફેંકી દીધો હતો, પરંતુ તે યુવક સામે કોઈ કાર્યવાહી ન થતાં પશુ પ્રેમીઓ રોષે ભરાયા છે. આ મામલે પીએફએ (પીપલ્સ ફોર એનિમલ્સ)ના પ્રમુખ વિકેન્દ્ર શર્માએ સમગ્ર મામલાની ફરિયાદ સુલતાનપુરનાં સાંસદ મેનકા ગાંધીને કરી છે. તેમણે કહ્યું હતું કે જો કોઈનું બાળક અપહરણ બાદ સુરક્ષિત જોવા મળે છે તો અપહરણકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જેઓ એક પ્રાણી સાથે ક્રૂરતા આચરતા આ લોકો સામે કેમ હજુ સુધી કોઇ એક્શન લેવામાં આવ્યા નથી.
ઇસ્લામાનગરના એક રોડ પર પીઠ પાછળ હાથ બાંધીને વાંદરાને લઇ જતા યુવકો સામે ન તો વન વિભાગે કોઇ કાર્યવાહી કરી છે કે ન તો પોલીસ આ મામલે સક્રિય થઇ છે. કાર્યવાહીના નામે વન વિભાગના અધિકારીઓ કહે છે કે વાંદરાને મુક્ત કરવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓએ વાંદરાને મુક્ત કરવાનો વીડિયો પણ જાહેર કર્યો હતો, પરંતુ વાંદરા પર ક્રૂરતા આચરનારાઓ સામે કાર્યવાહી કરવાના નામે અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.
ફોરેસ્ટ રેન્જરનું કહેવું છે કે ‘વાંદરો મૃત્યુ પામ્યો છે કે નહીં તે સ્પષ્ટ નથી, કારણ કે તેનો મૃતદેહ મળ્યો નથી. આવી સ્થિતિમાં મૃત્યુની પુષ્ટિ કરી શકાતી નથી. ટીમને તપાસ માટે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. તપાસ બાદ ટીમ તેનો જે અભિપ્રાય આપશે તેના દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો તે યુવકોની ઓળખ થશે તો તેમના નામ જાહેર કરવામાં આવશે,અન્યથા અજાણ્યા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે અને બાદમાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવશે.