મહાકુંભઃ ગંગાને ‘ડૂબતી બચાવવા’ માટે રોજ પાણીની ચકાસણી અને પૂજાનો કચરો દૂર કરવા સરકારે કમર કસી
મહાકુંભ નગરઃ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નદીના પાણીના દૈનિક નમૂના લેવા, પાણીમાંથી ફૂલો અને પૂજા સામગ્રીને ૨૪ કલાક અલગ કરવાની કામગીરી, તમામ ગ્રે-વોટરને શુદ્ધિકરણ સુવિધાઓ સુધી પહોંચાડવા માટે ૨૦૦ કિલોમીટર લાંબી કામચલાઉ ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા અને માનવ કચરાના નિકાલ માટે અત્યાધુનિક ટેક્નોલોજી મહાકુંભ દરમિયાન ‘ગંગાને ડૂબતી બચાવવા’ માટે લેવામાં આવતા પગલાંઓમાં સામેલ છે.
અધિકારીઓનો અંદાજ છે કે ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યા જેવા મુખ્ય સ્નાનના દિવસોમાં ૫૦ લાખ પ્રવાસીઓ આવે છે. અધિકારીઓનું કહેવું છે કે આ મુલાકાતીના કારણે રોજ લગભગ ૧૬ મિલિયન લીટર મળ અને લગભગ ૨૪૦ મિલિયન લિટર ગ્રે વોટર(રસોઇ, કપડા ધોવા અને નહાવાથી ઉત્પન્ન થતું ગંદુ પાણી) ઉત્પન્ન થવાની અપેક્ષા છે. મહાકુંભ મેળાના એડિશનલ ડ્રિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (એડીએમ) વિવેક ચતુર્વેદીના જણાવ્યા અનુસાર પવિત્ર સ્નાન માટે નદીનું પાણી સંપૂર્ણ રીતે સલામત છે.
તેમણે જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એક ટીમ દરરોજ વિવિધ ઘાટો પરથી નદીના નમૂનાઓનું પરીક્ષણ કરી રહી છે અને સ્તર નિયંત્રણમાં છે. ધ્યાન કેન્દ્રિત કરવાનું બીજું એક ક્ષેત્ર પૂજા કચરો છે જે નદીઓમાં જઇ રહ્યો છે- તેમાં ફૂલો, નારિયેળ અને અન્ય વસ્તુઓ સામેલ છે જે ધાર્મિક વિધિના ભાગ રૂપે અર્પણ કરવામાં આવે છે. અમે દર બે કલાકે નદીમાંથી તેમને દૂર કરવા માટે વિવિધ ઘાટ પર મશીનો મૂક્યા છે.
Also read: અંતરિક્ષમાં જોવા મળી મહાકુંભની ભવ્યતા, ISROએ જારી કરી સેટેલાઇટ તસવીરો
તેમણે જણાવ્યું કે ગંગા સેવાદૂતોની એક ટીમ છે, જે નદી અને ઘાટની શુદ્ધતા જાળવવા માટે તાત્કાલિક સામગ્રી એકત્રિત કરવા અને તેનો નિકાલ કરવા ઘાટ પર તૈનાત છે. તેઓ રોટેશનલ શિફ્ટમાં કામ કરે છે. અધિકારીઓ માનવ કચરો ખાસ કરીને મળ અને ગ્રે-વોટરના નિકાલ માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર(બીએઆરસી) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન(ઇસરો) દ્વારા વિકસિત ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.
મૌની અમાવસ્યાના સૌથી મોટા ‘અમૃત સ્નાન’ શરૂ થયાના દિવસો પહેલા અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ તમામ ભાગ લેનારા અખાડાઓને નિર્ધારિત સમય મર્યાદાનું કડક પાલન કરવા અને સમાપ્તિ સમયના પાંચ મિનિટ પહેલા ઘાટ છોડી દેવાની અપીલ કરી હતી. જેથી કરીને ઘાટની સફાઇ થઇ શકે.