અરવલ્લી બચાવોઃ જો આ કુદરતી ઢાલ નહીં રહે તો ઉત્તર ભારત માથે કેવા સંકટો આવશે?

નવી દિલ્હી: ભારતમાં અરવલ્લી એ માત્ર એક પર્વતમાળા નથી, પરંતુ ખરા અર્થમાં ભારતનો શ્વાસ છે. પર્યાવરણપ્રેમીઓએ ચેતવણી આપી છે કે ભારતના ફેફસાં માથે એક ગંભીર અને મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે. આ વિવાદની શરૂઆત અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પછી પર્યાવરણપ્રેમીઓ અને નિષ્ણાતોએ ચેતવણી આપી છે.
ચાલો જાણીએ કે ઉત્તર ભારત માટે અરવલ્લીની પર્વતમાળા શા માટે જરૂરી છે અને શા માટે તેના અસ્તિત્વ સામે જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો જોખમોને અત્યારથી જાણવામાં આવશે નહીં તો ઉત્તર ભારત એક નહીં અનેક સમસ્યાનો સામનો કરશે એ વાતમાં નવાઈ નથી.
આપણ વાચો: રાજસ્થાનથી લઈને ગુજરાત સુધી શા માટે ઉઠ્યો ‘અરવલ્લી બચાવો’ના નાદ? જાણો શું છે સમગ્ર વિવાદ…
શું છે સમગ્ર વિવાદ?
સૌપ્રથમ એ અંગે જાણી લેવું જોઈએ કે શા માટે ‘અરવલ્લી બચાવો’ના નારા સાથે એક જન આંદોલનની શરૂઆત થઈ અને શું છે સમગ્ર વિવાદ. તો આ વિવાદનું કારણ છે 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એ ભલામણને સ્વીકારી લીધી કે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે.
11 ડિસેમ્બર 2025ના રોજ ‘આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ’થી આ અરવલ્લી બચાવો’ અભિયાનની શરૂઆત થઈ. આ નિર્ણયને કારણે હવે 90 ટકા પહાડ અરવલ્લીનો હિસ્સો નહીં ગણાય. આમ થવાથી આ પહાડીઓ સંરક્ષણમાંથી બહાર થઈ જશે અને ત્યાં ગેરકાયદે ખનનનો ભય વધી જશે. ખનન માફિયાઓને છૂટ મળી જવાથી પહાડોનું નિકંદન નીકળી જશે.
આપણ વાચો: અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ! ભિલોડા-શામળાજી હાઇવે બંધ, લોકો પરેશાન
અરવલ્લી પર્યાવરણીય સંતુલનની કરોડરજ્જુ
અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી જૂની (અબજો વર્ષ જૂની છે) પર્વતમાળાઓમાંની એક છે. તે ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી છે. આ ટેકરીઓ માત્ર ‘શ્વાસ’ જ નહીં પણ ‘સુરક્ષા કવચ’ અને ‘કરોડરજ્જુ’ પણ છે, જાણો કેમ અને કેવી રીતે? ખરેખર, અરવલ્લી પર્વતમાળા કોઈ સામાન્ય પર્વતમાળા નથી.
તે ઉત્તર ભારતની પ્રાકૃતિક ઢાલ, જળ-જીવનનો આધાર અને પર્યાવરણીય સંતુલનની કરોડરજ્જુ છે. જો અરવલ્લી નહીં રહે, તો તેની અસર માત્ર રાજસ્થાન, હરિયાણા કે દિલ્હી પૂરતી મર્યાદિત નહીં હોય, પરંતુ અબજો પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ અને મનુષ્યોનું જીવન જોખમમાં મુકાઈ જશે.
અરવલ્લીની જરૂરિયાતને સમજો આ પાંચ મુદ્દાથી
ક તો અરવલ્લી પર્વતમાળા રણને આગળ વધતું અટકાવે છે, તે થારના રણની રેતીને આગળ વધતી રોકીને ફળદ્રુપ જમીનને બચાવે છે. બીજું તે વરસાદને ખેંચી લાવે છે, તે મોસમી પવનોને રોકીને ચોમાસા અને વરસાદની પેટર્નને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે અરવલ્લી પર્વતમાળા વરસાદી પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળનું સ્તર વધારે છે.
વળી અરવલ્લી પ્રદૂષણ અને ધૂળની ડમરીઓને ઉત્તર ભારત તરફ આગળ વધતી અટકાવે છે તેમ જ અરવલ્લીમાં સમૃદ્ધ જૈવવિવિધતા છે, અરવલ્લીમાં હજારો-લાખો પ્રકારની વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓ જોવા મળે છે, જે પર્યાવરણ માટે અનિવાર્ય છે.
આપણ વાચો: ‘બોલ મારી અંબે, જય જય અંબેના’ના નાદથી ગુંજી અરવલ્લીની ગિરિમાળા: ભાદરવી પૂનમનો મેળો શરૂ
અરવલ્લીનો વિનાશ કયા સંકટને નોંતરશે?
હવે અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષા બાદ આ પર્વતમાળાનું ખનન ખૂબ જ વધી જવાનો ભય સતાવી રહ્યો છે. અરવલ્લી પર્વતમાળાનો વિનાશ ઉત્તર ભારત માટે ગંભીર કુદરતી અને માનવીય સંકટ નોંતરી શકે છે.
જો આ પહાડીઓ નષ્ટ થશે તો ‘થાર રણ’ને પૂર્વ તરફ આગળ વધતું રોકનારી છેલ્લી કુદરતી દીવાલ ધરાશાયી થઈ જશે, જેના કારણે ફળદ્રુપ જમીન બંજર બની જશે અને ખેતી અશક્ય બનતા દુષ્કાળની સ્થિતિ સર્જાશે.
આ પર્વતમાળા વરસાદની પેટર્ન અને પવનોની દિશા નક્કી કરવામાં મહત્વનો ફાળો આપે છે; તેના અભાવે બેમોસમ વરસાદ અને અતિવૃષ્ટિ જેવી સમસ્યાઓ વધશે, જેની સૌથી માઠી અસર ગરીબ ખેડૂતો પર પડશે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અરવલ્લીની ખડકાળ જમીન ‘વાદળી’ જેવું કામ કરે છે, જે વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળને રિચાર્જ કરે છે. આ પહાડીઓના અભાવે દિલ્હી-NCR અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં પીવાના પાણીનું ટીપે-ટીપું દુર્લભ થઈ જશે.
આ ઉપરાંત, પશ્ચિમથી આવતી ધૂળની ડમરીઓને રોકતું આ સુરક્ષાકવચ જો નહીં રહે તો પ્રદૂષણનું સ્તર (AQI) એટલું જોખમી બની જશે કે બાળકો અને વૃદ્ધો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જશે. અંતે, હજારો વનસ્પતિઓ અને જીવજંતુઓના આવાસ છીનવાતા આખી ‘ફૂડ ચેન’ (આહાર શૃંખલા) ખોરવાઈ જશે, જે આખરે માનવ અસ્તિત્વ માટે જ મોટું જોખમ ઊભું કરશે.



