કોલકાતા ડોક્ટર રેપ કેસ બાદ આખા દેશમાં આક્રોશની લહેર ફેલાયેલી છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલી આ ઘટના બાદ દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ કેસ હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના પર પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ નિવેદન આપ્યું છે. તેમણે આ ઘટનાની નિંદા તો કરી છે, પરંતુ કંઈક એવું કહ્યું છે, જેના પછી તેઓ ટ્રોલ થઈ રહ્યા છે. દરમિયાન ગાંગુલીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા પણ કરી છે.
ગાંગુલીને પણ આ ઘટનાનું દુઃખ છે. ગાંગુલીએ આ અઠવાડિયે ઘટનાની નિંદા કરી હતી. આ દરમિયાન તેમણે બંગાળીમાં કહ્યું હતું કે, ‘એક પુત્રીનો પિતા હોવાના કારણે હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું, પણ આવી પ્રસંગોપાત બનતી ઘટનાને કારણે સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી કારણ કે આ માત્ર એક ઘટના છે. ચાહકોને આ સમગ્ર પ્રકરણને માત્ર એક ઘટના ગણાવતું ગાંગુલીનું નિવેદન પસંદ નહોતું આવ્યું. ગાંગુલીના નિવેદનથી નારાજ થયેલા લોકોએ લખ્યું હતું કે, ‘આ શરમજનક છે.’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘ગાંગુલીના આ નિવેદન પહેલા હું ગાંગુલીનો ફેન હતો પરંતુ હવે એવું નથી. જો તે કંઈ સારું ન કરી શકે તો કંઇ નહીં, પણ તેણે તેનું મોઢું બંધ રાખવું જોઇએ. કેટલાકે કહ્યું હતું કે તેમને ગાંગુલીની આક્રમકતા પસંદ હતી, પરંતુ હવે તેઓ આ શરમજનક નિવેદન જોઈને ચોંકી ગયા છે.
હવે આ મુદ્દે સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી છે. તેમણે પત્રકારોને કહ્યું હતું કે, ”મેં આ વિશે પહેલા પણ વાત કરી હતી, મને ખબર નથી કે લોકો તેને શું સમજ્યા અને વાતને કેવી રીતે રજૂ કરી. મેં પહેલા પણ કહ્યું હતું કે, આ એક ભયંકર ઘટના છે. હવે સીબીઆઈ અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જે પણ થયું છે તે ખૂબ જ શરમજનક છે. મને આશા છે કે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ જ્યારે ગુનેગારને શોધી કાઢશે ત્યારે તેને સખતમાં સખત સજા આપવામાં આવશે. સજા એવી હોવી જોઈએ કે કોઈ તેના જીવનમાં ફરી આવો ગુનો કરવાની હિંમત ન કરે. આ અગત્યનું છે. સજા આકરી હોવી જોઈએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને