મદુરાઈમાં સૌરાષ્ટ્રી ભાષાની વેબસાઈટ લોન્ચ, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોષી રહ્યા ઉપસ્થિત | મુંબઈ સમાચાર

મદુરાઈમાં સૌરાષ્ટ્રી ભાષાની વેબસાઈટ લોન્ચ, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોષી રહ્યા ઉપસ્થિત

મદુરાઈઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર સદસ, મદુરાઈના સહયોગથી ૧૨ જુલાઈના કે. એલ.એન. પોલીટેકનિક કોલેજ, મદુરાઈ ખાતે ‘સ્મરણાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાહિત્ય અકાદમી પુરસ્કૃત અને સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના મદુરાઈ ખાતેના લાંબા સમયથી કાર્યરત કોઓર્ડિનેટર ડૉ. ટી.આર. દામોદરનના નિધન બાદ તેમના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયો હતો.

તમિલનાડુમાં એક હજાર વર્ષ પૂર્વે સ્થળાંતરિત થયેલા સૌરાષ્ટ્રી લોકો સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વિવિધ વિષયો પર અભ્યાસ માટે ૨૦૦૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરની સ્થાપના કરવામાં આવી હતી. ડૉ. દામોદરને તમિલનાડુમાં સૌરાષ્ટ્રી લોકો અને તેમની પૂર્વભૂમિ વચ્ચે સેતુબંધ બાંધવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આપણ વાંચો: ફડણવીસ, પર્વતારોહકોએ શિવાજી મહારાજના કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાનનું સ્વાગત કર્યું

‘સ્મરણાંજલિ’ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોશીના પ્રમુખસ્થાને યોજાયો હતો. સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના કોઓર્ડિનેટર પ્રો. આર. બી. ઝાલાએ પોતાના સ્વાગત પ્રવચનમાં ડૉ. ટી.આર. દામોદરનના અવસાનને શિક્ષણ જગત માટે “ન પૂરી શકાય તેવી ખોટ” ગણાવી હતી.

તેમણે ડૉ. દામોદરન સાથેના વર્ષોના સાથી અને અનુભવોને યાદ કરીને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ડૉ. દામોદરન હેરિટેજ ચેરની શરૂઆતથી જ તેમની મૂળ ભૂમિ સૌરાષ્ટ્ર સાથે જોડાણ માટે વિવિધ સ્તરે આદાનપ્રદાન માટે સતત પ્રવૃત્ત રહ્યા હતા.

મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત એમ.કે. જવાહર બાબુ (પ્રમુખ, સૌરાષ્ટ્ર વિદ્યાસંગમ, એન.એમ.આર. સુબ્બારામન મહિલા કોલેજ, મદુરાઈ)એ ડૉ. દામોદરનના સૌરાષ્ટ્રી લિપિના જ્ઞાન પ્રસાર માટેના વિશાળ પ્રયાસો તથા સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાનની નોંધ લીધી હતી.

આપણ વાંચો: વર્ધામાં ગાંધીજીના હેરિટેજ સ્ટ્રક્ચર્સનું નવનિર્માણ…

કુલપતિ પ્રો. ઉત્પલ જોશીએ ડૉ. ટી.આર. દામોદરનને શોકાંજલિ અર્પણ કરતા તેમના ભાષા-સાહિત્ય અને સામાજિક રીતે સક્રિય યોગદાન તથા તેમના સંકલનથી છેલ્લા ૧૮ વર્ષથી સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના કોઓર્ડિનેટર તરીકે સૌરાષ્ટ્રી લોકો વચ્ચે સેતુની ભૂમિકામાં અવિરત અનેકવિધ ગતિવિધિઓ, જેમ કે સેમિનાર્સ, કાર્યશાળાઓ, શબ્દભંડોળ અને ભાષા ઉપરના પ્રોજેક્ટ્સ અને પ્રકાશનો, પ્રવાસો, યુવા ભરતી અભ્યાસક્રમ, ભાષાંતર, પ્રદર્શનો અને છેલ્લે સોમનાથ ખાતે યોજાયેલ તમિલ-સૌરાષ્ટ્રી સંગમમાં આપેલ અનન્ય યોગદાનને યાદ કર્યું હતું.

કુલપતિશ્રી પ્રો. ઉત્પલ જોશીએ ડૉ. દામોદરનના યોગદાનને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિ. ખાતે સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરની રચનામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. ચેરના માધ્યમથી ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ સાથે સૌરાષ્ટ્રી સમાજના જૂના સંબંધોને પુનર્જીવિત કરવા અનેક પ્રવૃત્તિઓ યોજવામાં વર્ષોવર્ષ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેઓ હંમેશ સનિષ્ઠ પ્રયાસ કરવા તત્પર રહ્યા.

આપણ વાંચો: ટ્રાવેલ પ્લસ : હિન્દુસ્તાનના હેરિટેજ સિલ્ક રૂટની સફર ધરતી-આકાશ વચ્ચેનું સ્વર્ગ રંગબેરંગી પંખીઓનું મુક્ત વિશ્વ

નવી વેબસાઈટનું લોકાર્પણ અને ભાવિ આયોજન

શ્રદ્ધાંજલિના ભાગરૂપે કુલપતિ તથા ઉપસ્થિત વિવિધ સૌરાષ્ટ્રી સંગઠનોના આગેવાનોએ ડો. દામોદરનની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સત્રનો સમાપન ધન્યવાદ પ્રસ્તાવ સાથે થયો જે પ્રોફ. એમ.એન.એસ. જયંથીએ આપ્યો. ઇંજી. કે.એસ.ડી. શિવપ્રસાદ અને પ્રોફ. એલ.આર. ગોવર્ધનનએ સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

સત્ર બેમાં ઉપસ્થિત વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ શ્રી આર.આર. સત્યમૂર્તિ, ટી.એસ. કૃષ્ણારામ, એસ.પી. ગીતા ભારતીય, કે.કે. જ્ઞાનપ્રભાકરન, કે.કે. દિનેશ, એસ.કે.આર. રમેશ, શ્રી અર્જુન કૃષ્ણારામ અને શ્રી જય. આર. જવાહરલાલે પોતાના સંબોધનમાં ડૉ. દામોદરનના માતૃભાષા અને સાહિત્ય માટેના અવિરત સેવાકાર્યની પ્રશંસા કરી અને તેમના કાર્યને આગળ વધારવા આહવાન કર્યું હતું.

બપોરના સત્રમાં “www.saurashtri.org” – બોલચાલની (સ્પોકન) સૌરાષ્ટ્રી માટેની નવી વેબસાઇટ –નું ઉદ્ઘાટન કુલપતિ પ્રોફ. ઉત્પલ એસ. જોશી દ્વારા થયું. પ્રોફ. એલ.આર. ગોવર્ધનન (પ્રમુખ, સાહિત્ય સત્સદ શૈક્ષણિક શાખા અને સચિવ, ગ્લોબલ સૌરાષ્ટ્રી એકેડેમી ટ્રસ્ટ)એ વેબસાઇટના વિષયવસ્તુનું વીડિયોમાં માર્ગદર્શન આપ્યું હતું.

આપણ વાંચો: આજે વર્લ્ડ હેરિટેજ ડે: ભારતના પ્રથમ પુરાતાત્વિક સંગ્રહાલય વડનગર 2500 વર્ષ જૂના વારસાનું છે પ્રતિબિંબ

મુખ્ય મહેમાનો ડૉ. કે.કે. જ્ઞાનપ્રભાકરન (પ્રમુખ, શ્રીમન નાયકિ મંદિર) અને શ્રી કે.કે. દિનેશ (પ્રમુખ, સૌરાષ્ટ્રી ચેમ્બર્સ ઓફ કોમર્સ)એ ઓનલાઈન કોર્સની સફળતાને અભિનંદન પાઠવ્યા હતા.

કુલપતિએ પોતાના સમાપન સંબોધનમાં સૌરાષ્ટ્રી સાહિત્ય સત્સદ દ્વારા સૌરાષ્ટ્રી શીખવાડવાની અને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી.

આ સાથે તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના કાર્યોને વિવિધ વિષયો અને સ્થળો સુધી વિસ્તારવાના પ્રયાસમાં યુનિવર્સિટી હંમેશ સક્રિય રીતે સહકાર આપશે અને જ્યાં જરૂરી હશે ત્યાં રાજ્ય સરકાર દ્વારા પણ સૌરાષ્ટ્રી લોકો સાથે આદાનપ્રદાન વધે તે માટે પ્રયાસ થશે. તેમણે મદુરાઈ ખાતે સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના કોઓર્ડિનેટર તરીકે કે.એસ.ડી. શિવપ્રસાદ અને પ્રોફ. એલ.આર. ગોવર્ધનનના નામોની જાહેરાત કરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button