દિલ્હી ચુંટણી હારેલા AAP નેતા બન્યા ‘બેરોજગાર’, યુટ્યુબ ચેનલ શરુ કરી

દિલ્હી: વિધાસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ને કારમી હાર મળતા સત્તા ગુમાવી છે, આ ઉપરાંત AAPના વડા અરવિંદ કેજરીવાલ સહીત અગ્રણી નેતાઓને તેમની બેઠક પરથી હાર મળી છે. એવામાં દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન અને AAP નેતા સૌરભ ભારદ્વાજે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગ્રેટર કૈલાશ બેઠક પર હારી ગયા હતાં, ત્યાર બાદ હવે સૌરભ ભારદ્વાજ ‘બેરોજગાર’ બન્યા છે, હવે તેમણે યુટ્યુબ પોતાની યુટ્યુબ ચેનલ ખોલી (Saurabh Bhardwaj You Tube channel) છે. ભારદ્વાજે યુટ્યુબ ચેનલનું નામ ‘બેરોજગારના નેતા’ (Berozgaar Neta)રાખ્યું છે, અપલોડ કરેલા પહેલા વિડીયોમાં તેમણે કહ્યું કે “આજે એવું કહી શકાય કે અમારા જેવા નેતાઓ બેરોજગાર થઈ ગયા છે.’
ભારદ્વાજે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ તેમના જીવનમાં 180 ડિગ્રી પલટો આવ્યો છે, હવે તેઓ યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજ લોકો સાથે વાતચીત કરશે. તેમણે કહ્યું કે ઘણા લોકો વોટ્સએપ અને ટ્વિટર પર મારો સંપર્ક કરી રહ્યા છે. હું તમને જણાવીશકે કે રાજકારણીના જીવનમાં શું બને છે. હું બધાને જવાબ આપીશ.
યુટ્યુબ ચેનલ પર શું કરશે?
વીડિયોમાં, સૌરભે ભારદ્વાજે કહ્યું, “હું મારા વિચારો વ્યક્ત કરીને લોકો સાથે જોડાઈશ અને તેમને પ્રશ્નો પૂછીશ, તેમને મારી યોજનાઓ વિશે જણાવીશ અને ચૂંટણી હાર્યા પછી રાજકારણીના જીવનમાં કેવા ફેરફારો થાય છે તે પણ જણાવીશ. આ ચેનલ દ્વારા હું મારી સફર શેર કરવા માંગુ છું અને આ પ્રશ્નોના સીધા જવાબ આપવા માંગુ છું.”
હવે પરત ફરવું મુશ્કેલ:
સૌરભ ભારદ્વાજે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે રાજકારણમાં આવતા પહેલા તેઓ આઈટી પ્રોફેશનલ હતા, પરંતુ હવે તેઓ ફરી એ ફિલ્ડમાં પાછા જઈ શકે એમ નથી કારણ કે આ ક્ષેત્રમાં ઘણા ટેકનોલોજીકલ સુધારા થઇ ગયા છે. ઉપરાંત, કંપનીઓ રાજકારણીઓને નોકરી પર રાખવામાં પણ ખચકાટ અનુભવે છે.