ખેડૂત આંદોલન વખતે સત્યપાલ મલિકે મોદીની ઝાટકણી કાઢી હતી, ભાજપની ટિકિટ પર હારી ગયેલા | મુંબઈ સમાચાર

ખેડૂત આંદોલન વખતે સત્યપાલ મલિકે મોદીની ઝાટકણી કાઢી હતી, ભાજપની ટિકિટ પર હારી ગયેલા

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે એટલે કે પાંચમી ઓગસ્ટના 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. નવી દિલ્હી ખાતે આવેલી આરએમએલ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા અને તેમના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી જ તેમના નિધનના સમાચારની પુષ્ટિ પણ કરવામાં આવી છે.

વાત કરીએ સત્યપાલ મલિકના પોલિટિકલ કરિયરની તો તે ખૂબ જ દમદાર રહ્યું છે. પાંચમી ઓગસ્ટ, 2019ના જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યું ત્યારે સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા.

આપણ વાંચો: ‘જો તમારામાં હિંમત હોય તો…’ CBIચાર્જશીટ મામલે સત્યપાલ મલિકે મોદી સરકારને પડકાર ફેંક્યો

એક દિગ્ગજ રાજનેતા તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સત્યપાલ મલિક સફળ રહ્યા હતા. જ્યારે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા હતા ત્યારે ખેડૂતોએ મોદી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો હતો એ સમયે પણ સત્યપાલ મલિક પદ પર હતા, પરંતુ તેઓ સમય સમય પર કૃષિ કાયદાઓને લઈને મોદી સરકારની ટીકા પણ કરતા હતા. તેમને પદ પરથી હટાવ્યા બાદ તો તેમણે મોદી સરકાર સામે વિદ્રોહ પોકાર્યો હતો.

વાત કરીએ પોલિટિકલ કરિયરની તો તેમણે 1968-1969માં વિદ્યાર્થી રાજકરણથી શરૂઆત કરી હતી. ચૌધરી ચરણ સિંહના નજીકના વ્યક્તિ હોવાથી 1974માં તેમણે એક્ટિવ પોલિટિક્સમાં એન્ટ્રી મારી હતી.

પહેલી વખત બાગપતથી વિધાનસભાની ચૂંટણી લડીને તેઓ વિધાનસભ્ય બન્યા. ત્યાર બાદ ચૌધરી ચરણ સિંહની સાથે લોક દળમાં સામેલ થયા અને ચરણ સિંહે તેમને પાર્ટીના મહાસચિવનું પદ આપ્યું.

આપણ વાંચો: સત્યપાલ મલિકે 2024ની કરી આગાહી, કહ્યું, “લખીને આપું છું કે આ વખતે..”

1980માં લોક દળ તરફથી રાજ્યસભા સુધી પહોંચીને 1984માં સત્યપાલ મલિકે કોંગ્રેસમાં જોડાયા અને 1986માં તેઓ ફરી એક વખત રાજ્યસભામાં પહોંચ્યા.

જ્યારે રાજીવ ગાંધીની સરકાર પર બોફોર્સ કાંડના આક્ષેપો લગાવવામાં આવ્યા ત્યારે તેમણે કોંગ્રેસને રામ રામ કરીને વીપી સિંહની નેતૃત્વહેઠળના જનતા દળમાં જોડાયા. 1989માં જનતા દળની ટિકિટ પરથી અલીગઢથી જિતીને તેમને પ્રધાનપદ મળ્યું.

આશરે 50 વર્ષના લાંબા રાજકીય કરિયરમાં સત્યપાલ મલિકે વિવિધ પાર્ટીઓ સાથે કામ કર્યું. 2004માં તેમણે ભાજપ જોઈન કર્યું, પણ અહીં લોકસભાની ચૂંટણીમાં તેમને પરાજિત થવું પડ્યું.

આપણ વાંચો: નરેન્દ્ર મોદી સામે મોરચો માંડનારા ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન

રસપ્રદ વાત તો એ છે કે મોદી સરકારના પહેલાં કાર્યકાળ દરમિયાન સત્યપાલ મલિકને ભૂમિ અધિગ્રહણ વિધાયક પર વિચાર કરનારી સંસદીય ટીમના પ્રમુખ નિમવામાં આવ્યા હતા. જોકે, મલિકની આ પેનલે ઠરાવની વિરુદ્ધ પોતાની રાય આપી હતી.

સત્યપાલ મલિક ભાજપમાં અનેક મહત્ત્વના પદો પર ફરજ બજાવી ચૂક્યા છે. 2017માં તેમને બિહારના રાજ્યપાલ તરીકે, 2018માં જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ અને 2019માં કાશ્મીરથી હટાવીને ગોવા અને ત્યાર બાદ મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

ખેડુત આંદોલનથી લઈને પુલવામાં આંતકવાદી હુમલા સહિત સત્યપાલ મલિકે મોદી સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને એને કારણે જ તેઓ વિપક્ષી દળના નેતાઓ સાથે પણ દેખાવવા લાગ્યા હતા.

અનેક મુદ્દા પર મોદી સરકારની સામે પડનારા સત્યપાલ મલિક પોતાના વિચારો અને નિવેદનનો કારણે હંમેશા જ લાઈમલાઈટ અને રાજકીય વર્તુળોમાં ચર્ચામાં રહ્યા હતા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button