‘જેટલું અંતર, એટલો ટોલ’નો સિદ્ધાંત હાલ પૂરતો અટક્યો; સરકારે ANPR પર કામગીરી શરૂ કરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની સેટેલાઇટ દ્વારા ટોલ ટેક્સ વસૂલવાની મહત્વાકાંક્ષી યોજના હાલ પૂરતી મુલતવી મૂકી દેવામાં આવી છે. આ યોજના હેઠળ વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસ (ઓન-બોર્ડ યુનિટ – OBU) લગાવવાનું ફરજિયાત હતું, જેનાથી વાહનની રૂટ, સ્ટોપેજ, ગતિ અને ગંતવ્ય જેવી તમામ માહિતી સતત રેકોર્ડ થતી રહેતી. જોકે, આ ટ્રેકિંગ ડિવાઇસ દ્વારા થતી જાસૂસીની આશંકા અને નાગરિકોની અંગત ગોપનીયતા (Privacy) ના ભંગની ગંભીર ચિંતાઓને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારનો હેતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ટોલ પ્લાઝા મુક્ત બનાવવાનો અને ‘જેટલું અંતર, એટલો ટોલ ટેક્સ’ ના સિદ્ધાંત પર આધારિત GNSS (સેટેલાઇટ આધારિત ટોલ પ્રણાલી) ને અમલમાં મૂકવાનો હતો, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની ગોપનીયતાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા આ પ્રણાલીને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજી દ્વારા એકત્રિત થતા ડેટાના દુરુપયોગનો ગંભીર ખતરો હતો. વાહનોની લોકેશન, રૂટ અને ડ્રાઇવરના ડેટા સતત ટ્રેક થતા હોવાથી, તેનાથી સામાન્ય નાગરિકોના ખાનગી જીવનમાં દખલ અને વીઆઈપી (VIP) મૂવમેન્ટ ની જાણકારી લીક થવાનો મોટો ભય હતો, જે સુરક્ષાની દૃષ્ટિએ એક ગંભીર જોખમ ગણાય. આ યોજનાનું ટ્રાયલ અગાઉ બેંગ્લોર-મૈસૂર એક્સપ્રેસ-વે અને હરિયાણાના કેટલાક ભાગોમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઉપગ્રહ દ્વારા વાહને નક્કી કરેલ અંતરના આધારે સીધા બેંક ખાતામાંથી ટોલની રકમ કાપવામાં આવતી હતી. આ યોજના 1 મે, 2025 થી લાગુ થવાની અટકળો પર સરકારે અગાઉ પણ સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રવ્યાપી અમલ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ વી. ઉમાશંકર એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સેટેલાઇટ આધારિત ટોલ સંગ્રહ યોજના હાલમાં મુલતવી રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે હવે મંત્રાલય એક વૈકલ્પિક અને ઓછી જોખમી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે, જે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) યોજના છે. આ નવી પ્રણાલીમાં વાહનોમાં કોઈ વધારાના ડિવાઇસની જરૂર નહીં પડે. તેના બદલે, હાઇવે પર લગાવેલા કેમેરા વાહનની નંબર પ્લેટ વાંચીને હાલના ફાસ્ટેગ (FASTag) વૉલેટ માંથી જ ટોલની રકમ કાપી લેશે. આનાથી ટોલ પ્લાઝા પર વાહનોની અવરોધ-મુક્ત અવરજવર જળવાઈ રહેશે અને મુસાફરીનો સમય પણ ઘટશે.
આ પણ વાંચો…ટોલ ટેક્સ પર મોટી રાહત! FASTag નથી? તો પણ UPI થી પેમેન્ટ કરવા પર બચશે પૈસા, જાણો નવો નિયમ…



