
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 242 વિધાનસભા સીટ પૈકી 121 વિધાનસભા સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે. તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. આ ઉપરાંત સિંગર મૈથિલી ઠાકુર પણ ભાજપની સીટ પરથી ચૂંટણી લડી રહી છે. પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન કેટલાક બાહુબલી નેતાઓની પત્નીઓ પણ મેદાનમાં છે.
વીણા દેવીઃ બિહાર વિધાનસભા ચૂંટણી લડી રહેલા બાહુબલીઓની પત્નીઓની યાદીમાં સૌથી પહેલું નામ વીણા દેવીનું છે. વીણા દેવી બાહુબલી સૂરજભાન સિંહનાં પત્ની છે, જે મોકામા વિધાનસભા બેઠક પરથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો મુકાબલો બાહુબલી અનંત સિંહ સાથે છે.
અરુણા દેવીઃ આ યાદીમાં બીજું નામ વારિસલીગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર અરુણા દેવીનું છે. અરુણા દેવી વારિસલીગંજ બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે, જે બાહુબલી અખિલેશ સરદારનાં પત્ની છે.
અનીતા દેવીઃ ત્રીજું નામ પણ વારિસલીગંજ વિધાનસભા બેઠક પરથી જ છે. જે બાહુબલી અશોક મહેતોનાં પત્ની અનીતા દેવી છે, જેમને લાલુ યાદવની પાર્ટી આરજેડીએ ચૂંટણીની ટિકિટ આપી છે.
વિભા દેવીઃ નવાદા વિધાનસભા બેઠક પરથી જેડીયુનાં ઉમેદવાર વિભા દેવીનું નામ પણ આ યાદીમાં સામેલ છે, જે બાહુબલી રાજબલ્લભ યાદવનાં પત્ની છે. વિભા દેવીએ વર્ષ 2020માં પણ આ જ બેઠક પરથી જીત હાંસલ કરી હતી.
બીમા ભારતીઃ રૂપૌલી વિધાનસભા બેઠક પરથી બાહુબલી અવધેશ મંડલનાં પત્ની બીમા ભારતી પણ બિહાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે, જેમને આરજેડીએ પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. બીમા ભારતીનાં પતિ બાહુબલી અવધેશ મંડલ પૂર્ણીયા અને આસપાસનાં જિલ્લાઓમાં હત્યા, ખંડણી, લૂંટ અને આર્મ્સ એક્ટના અનેક કેસોમાં આરોપી છે. વળી, બીમા ભારતી રૂપૌલી વિધાનસભા બેઠક પરથી 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે.
ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ 45341 મતદાન કેન્દ્રો બનાવ્યા છે. જેમાંથી 36733 ગ્રામીણ વિસ્તારોમાં છે. પ્રથમ તબક્કામાં 10.72 લાખ નવા મતદારો અને 7.38 લાખ 18-19 વર્ષના મતદારો સામેલ છે. 3.75 કરોડથી વધુ મતદારો 1314 ઉમેદવારોની કિસ્મતનો ફેંસલો કરશે.



