નેશનલ

લોખંડી પુરુષ સરદાર પટેલ વિશે આ વાતો જાણો છો ?

આજે લોખંડી પુરુષ, દેશને અખંડિત રાખનારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પહેલા નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈનો જન્મદિવસ છે. દેશમાં આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદારની રાજકીય સફર વિશે તમે ઘણું જાણતા હશો ત્યારે આજે તેમના વ્યક્તિત્વ વિશેની થોડી વાતો અમે તમને જણાવશું.

ખેડૂત પરિવારમાં જન્મેલા સરદાર પિતા સાથે ખેતરમાં કામે જતા અને દર મહિને બે દિવસ ઉપવાસ રાખતા. આવા ત્યાગ અને કેળવણીએ તેમને મજબૂત બનાવ્યા અને આ સાથે ભૂખ શું હોય તે સમજાવ્યું. આથી ગરીબો માટે તેમના હૃદયમાં અનુકંપા હતી જે તેમના કાર્યોમાં પણ જોવા મળી.


સરદાર મિત્રતા પણ બહુ સારી રીતે નિભાવી જાણતા હતા. 1930માં જ્યારે ગુજરાતમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે સરદારને ખબર પડી કે તેમના મિત્ર પણ આ રોગના ભરડામાં છે. જેમને પ્લેગ થયો હોય તેમના સંપર્કમાં ન આવવાની ઘણી સલાહો છતાં સરદાર ન માન્યા અને મિત્રને મદદ કરવા દોડી ગયા. પોતે પણ પ્લેગનો શિકાર બન્યા અને જ્યાં સુધી સાજા ન થયા ત્યાં સુધી નડિયાદના જર્જરિત મંદિરમાં રહ્યા હતા. આવી જ મિત્રતા તેમની મહાત્મા ગાંધી સાથે હતી. ગાંધીજીની હત્યા બાદ તેઓ ખૂબ જ વ્યથિત રહેતા હતા અને તેના બે મહિનામાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

સરદાર પટેલ કેટલા મજબૂત અને કર્તવ્યનિષ્ઠ હતા તેનું એક ઉદાહરણ 1909માં બનેલી ઘટના છે. પટેલ વ્યવસાયે વકીલ હતા અને તે દિવસે તેઓ કોર્ટમાં કેસ સંદર્ભે સાક્ષીની ઉલટ તપાસ કરી રહ્યા હતા. દરમિયાન તેમને એક ચીઠ્ઠી આપવામાં આવી. સરદારે આ ચીઠ્ઠી વાંચી પોતાના ગજવામાં મૂકી દીધી અને કેસ ચાલુ રાખ્યો અને કેસ જીતી ગયા. કોર્ટનું કામ પત્યા બાદ તેમણે જણાવ્યું કે તેમના પત્ની ઝવેરબા મુંબઈ ખાતે (તે સમયનું બૉમ્બે) કેન્સરની સારવાર લઈ રહ્યા હતા અને તેમનું અવસાન થયું. ચીઠ્ઠીમાં પત્નીના અવસાનના સમાચાર વાંચ્યા પણ સરદારે કોઈને ભનક ન પડવા દીધી અને મજબૂત થઈને પોતાનું કામ પૂરું કર્યું.

આવી ઘણી વાતો છે તેમની સાથે જોડાયેલી જે આપણે વારે વારે ગર્વ કરાવે છે કે આપણે આવા મહાનુભાવોના દેશમાં જનમ્યા છીએ અને તેમનો વારસો આપણને મળ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button