Sanjay Singh: શું સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં ભાગ નહીં લઈ શકશે? SCએ આદેશ બદલ્યો

દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મંગળવારે રાહત આપી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમની જામીન અરજીનો વિરોધ ના કરતા સુપ્રીમ કોર્ટે જામીન મંજુર કર્યા હતા. આદેશની લેખિત નકલમાં સુપ્રીમ કોર્ટના ગઈકાલના નિવેદનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ગઈ કાલે કહેવામાં આવ્યું હતું કે સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં ભાગ લઈ શકે છે.
AAPને એવી આશા હતી કે લોકસભા ચૂંટણી પ્રચારમાં સંજય સિંહ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ કોર્ટના લેખિત આદેશમાં કોર્ટે મૌખિક રીતે કરેલી ટીપ્પણી હટાવી દેવામાં આવી છે. જેને કારણે સંજય સિંહ ચુંટણી પ્રચારમાં ભાગ લઇ શકાશે કે નહીં એના પર સવાલ ઉભા થયા છે
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની ખંડપીઠે ગઈ કાલે મૌખિક ટીપ્પણી કરી હતી કે સંજય સિંહ જામીનના સમયગાળા દરમિયાન રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ શકાશે.
સુપ્રીમ કોર્ટે એક લેખિત આદેશમાં સંજય સિંહના વકીલ અભિષેક મનુ સિંઘવીનું નિવેદન નોંધ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે તેમના અસીલ (સંજય સિંહ) વર્તમાન કેસમાં તેમની ભૂમિકા અંગે કોઈ જાહેર ટિપ્પણી નહીં કરે. જામીન અરજી પર સુનાવણી દરમિયાન સંજય સિંહના વકીલે સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેંચ સમક્ષ આ શરત માટે પોતાની સંમતિ આપી હતી.
દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સંજય સિંહની કસ્ટડીની માગણી કરતી અરજીમાં EDએ તેમણે મુખ્ય આરોપી ગણાવ્યા હતા. EDએ સંજય સિંહ પર કથિત દારૂ કૌભાંડમાંની આવકને કાયદેસર કરવાનો આરોપ મૂક્યો છે.