ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવા મુદ્દે સંજય સિંહે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ રમત ગમત મંત્રાલયે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરતી વખતે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નથી અને તેઓ સરકારના આ નિર્ણયને કોર્ટમાં પડકાર આપશે, એમ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના નવા ચૂંટાયેલા પ્રમુખ સંજય સિંહે ગુરુવારે જણાવ્યું હતું.
ચૂંટણીના ત્રણ દિવસ બાદ રવિવારે રમત ગમત મંત્રાલયે ડબલ્યુએફઆઇને સસ્પેન્ડ કર્યું હતું અને આ મુદ્દે કહ્યું હતું કે સંસ્થાએ અંડર-15 અને અંડર-20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની જાહેરાત સહિત કેટલાક નિર્ણયો લેવામાં તેના પોતાના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.
સંજયે સિંહે કહ્યું હતું કે સરકાર ડબલ્યુએફઆઇની સ્વાયત્ત અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસ્થાનો પક્ષ સાંભળ્યા વિના સસ્પેન્ડ કરી શકે નહીં. અમે લોકશાહી રીતે ડબલ્યૂએફઆઇની ચૂંટણી જીત્યા છીએ.
જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ રિટર્નિંગ ઓફિસર હતા અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ નિરીક્ષક પણ હતા. 22 રાજ્ય એકમો (25 માંથી ત્રણ રાજ્ય એકમો ગેરહાજર હતા) એ ચૂંટણીમાં ભાગ લીધો 47 જણાએ મત આપ્યો હતો જેમાંથી મને 40 મળ્યા હતા.
આમ છતાં જો અમને સસ્પેન્ડ કરવામાં આવશે તો અમે તેને સ્વીકારીશું નહીં. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસ્થાને તેનો મત રજૂ કરવાની તક પણ આપવામાં આવી નથી જે ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે જ્યારે ભારતીય બંધારણ હેઠળ દરેકને આનો અધિકાર છે.
ભારતીય કુસ્તી સંઘ એક સ્વાયત્ત સંસ્થા છે અને સરકારે યોગ્ય પ્રક્રિયાને અનુસરી નથી. અમે સરકાર સાથે વાત કરીશું અને જો સરકાર સસ્પેન્શન પાછું નહીં ખેંચે તો અમે કાનૂની અભિપ્રાય લઈ કોર્ટમાં જઇશું, એમ તેમણે જણાવ્યું હતું.