રામ મંદિરને લઈને સંજય રાઉતે આ શું કહી દીધું! મંદિરની જગ્યાને લઈને મોટો કર્યો દાવો
મુંબઈ: 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિર અયોધ્યામાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. જેને લઈને ભારત ભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. તેવામાં શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે (MP Sanjay Raut) મંદિરની જગ્યાને લઈને દાવો કર્યો છે.
સંજય રાઉતે કહ્યું, “ભગવાન શ્રી રામ લલ્લાનો જન્મ વિવાદિત બાબરી મસ્જિદના મોટા ગુંબજ નીચે થયો હતો, એટલા માટે મંદિર બનાવવા સારું મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. તો પછી મંદિર ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર કેમ બનાવવામાં આવી રહ્યું છે.”
તેઓ દાવો કરી રહ્યા છે કે અયોધ્યામાં જ્યાં બાબરી મસ્જિદ હતી તે જગ્યા પર રામ મંદિર નથી બની રહ્યું. તેમણે કહ્યું કે ‘મંદિર વહી બનેગા, મંદિર વહી બનેગા’ કહીને વિવાદિત મસ્જિદ તોડી પાડી હતી, પરંતુ તે જગ્યા પર નહીં અને ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર મંદિર શા માટે બનાવવામાં આવી રહ્યું છે?
આ બાબતે BJP નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Deputy CM Devendra Fadnavis) ને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું મૂર્ખના સવાલોના જવાબ નથી આપતો. વધુમાં તેના નિવેદનમાં કહે છે કે, ‘હિંદુઓનું અપમાન કરવાનું બંધ કરો. રામ જન્મભૂમિ આંદોલનમાં તમારું કોઈ યોગદાન નથી. ઉદ્ધવ ઠાકરે જીની સેના આવી વાત કરીને કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે, જે ખોટું છે.”
ફડણવીસની આ પ્રતિક્રિયા પર રાઉતે વળતો જવાબ આપ્યો કે “જેના માટે થઈને મસ્જિદ પાડવામાં આવી હતી શું ત્યાં ગર્ભ ગૃહ બની રહ્યું છે? શું ત્યાં મંદિર બન્યું ખરા? તમે જઈને જોઈ લો, જ્યાં ગર્ભ ગૃહ હતું ત્યાં મંદિર હોવું જોઈતું હતું જે નથી.”