વિધાનસભાની ચૂંટણીથી લઈને મોદીની કેબિનેટ અંગે સંજય રાઉતે કરેલા દાવો જાણો

મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ધમાલ થઈ ગઈ છે. મહાયુતિના સાથી પક્ષોના પરિણામ નબળા આવ્યા પછી અંદરોઅંદર ખેંચાખેંચી ચાલુ છે ત્યારે મહાવિકાસ આઘાડીના પક્ષો મોજમાં છે. ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મહાવિકાસ આઘાડી વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયાર છે. ચૂંટણી યોજવામાં આવ્યા પહેલા સંજય રાઉતે જીતનો દાવો કરી નાખ્યો છે.
સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યાં સુધી અમારી સરકાર બનશે નહીં ત્યાં સુધી અમારી આત્મા ભટકતી રહેશે. શિવસેના (યુબીટી), કોંગ્રેસ, એનસીપી (શરદચંદ્ર પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) ત્રણેય પક્ષ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડશે અને સરકાર બનાવશે.
હવે તો એનડીએની સરકાર છે હવે અમે સવાલ પીએમ મોદીને નહીં ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારને કરીશું. આ નરેન્દ્ર મોદીની ઉધારની સત્તા છે, જ્યાં સુધી બંનેની મહેરબાની હશે ત્યાં સુધી સત્તામાં રહેશે. એનડીએના પક્ષો અંગે રાઉતે કહ્યું છે કે હું નાયડુ અને નીતીશ કુમારને પૂછીશ કે તમને ક્યું મોટું મંત્રાલય મળ્યું છે. ચિરાગ પાસવાનને શું મળ્યું, જિતન રામ માંઝીને શું મળ્યું. ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપીને ક્યું મોટું મંત્રાલય મળ્યું છે.
મોદી કેબિનેટના પોર્ટ ફોલિયોની વહેંચણી મુદ્દે ભાજપની ટીકા કરતા સંજય રાઉતે કહ્યું કે ભાજપે મહત્ત્વના ખાતામાં પોતાની પાસે રાખ્યા છે, જ્યારે સહયોગી પક્ષોને મહત્ત્વના ખાતા ફાળવ્યા નથી. સંજય રાઉતે દાવો કરતા કહ્યું કે કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખાતા ફાળવણીથી ભાજપના સહયોગી પક્ષ નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ સંતુષ્ટ નથી. પત્રકારો સાથે વાતચીત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એનસીપીના પ્રમુખ શરદ પવાર માટે ઉપયોગ કરવામાં આવેલા ભટકતી આત્મા શબ્દનો જવાબ આપતા કહ્યું હતું કે ‘ભટકતી બેચૈન આત્મા’ને ત્યાં સુધી શાંતિ નહીં મળે જ્યાં સુધી કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારને હટાવશે નહીં.
વિધાનસભાની ચૂંટણી થોડા મહિનાઓમાં યોજવામાં આવશે ત્યારે મહાવિકાસ આઘાડીએ ચૂંટણી લડવા માટે તૈયારી કરી લીધી છે. એની વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે જીતનો મોટો દાવો કર્યો હતો.
Also Read –