પીએમ મોદીને કઈ બીમારીના સારવાર કરાવવાની સલાહ આપી સંજય રાઉતે?
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં આપેલા ભાષણાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારનું નામ લીધા વિના તેમના પર ટીકાસ્ત્ર છોડ્યા હતા. હવે શિવસેનાના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આના પર તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મોદીને ભૂલવાની બીમારી છે કે? એટલું જ નહીં સંજય રાઉતે એવું પણ કહ્યું હતું કે વડા પ્રધાનપદે બિરાજમાન પીએમ મોદીને આવું બોલવું શોભતું નથી.
સંજય રાઉતે આગળ એવું પણ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવું કહેતાં હતા કે શરદ પવાર એમના ગુરુ છે. એમની આંગળી પકડીને જ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેઓ જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે કૃષિ પ્રધાન શરદ પવારે તેમને ખૂબ જ મદદ કરી હતી. આ બધા નિવેદનો પીએમ મોદીએ આપ્યા છે. પીએમ મોદીને કદાચ ભૂલી જવાની બીમારી છે કે?
આગળ પોતાના નિવેદનમાં રાઉતે એવું પણ કહ્યું હતું કે જો પીએમ મોદીને ભૂલી જવાની બીમારી છે તો તેમણે સારવાર કરાવવી જોઈએ. તેઓ દેશના વડા પ્રધાન છે. આવું બોલવાનું એમને શોભતું નથી. પીએમ મોદી મહારાષ્ટ્રમાં આવીને મહારાષ્ટ્રના જ નેતાની બદનામી કરી રહ્યા છે. જે રાજકીય પક્ષ મહારાષ્ટ્રના સ્વાભિમાન માટે લડી રહ્યા છે એ જ પક્ષના નેતા પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની સામે મોદી કીચડ ઉછાળી રહ્યા છે. જે બિલકુલ યોગ્ય નથી.
પીએમ મોદીએ શિંદે અને પવારને પોતાના ગુલામ બનાવી દીધા છે. એમના કરતાં તો ગુલામ લોકો સારા. પીએમ મોદીએ શરદ પવાર પર કરેલી ટીકા સાંભળીને અજિત પવારે મંચ પરથી ઉતરી જવું જોઈતું હતું. આજે એમણે શરદ પવારની ટીકા કરી છે. આવતીકાલે તેઓ બાળાસાહેબ ઠાકરે વિશે પણ એલફેલ બોલી શકે છે, એવું રાઉતે વધુમાં જણાવ્યું હતું.