નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને (Reserve Bank of India) લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સંજય મલ્હોત્રાની (Sanjay Malhotra) આરબીઆઈના નવા ગવર્નર (RBI Governor) તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. સંજય મલ્હોત્રા હાલ નાણાં મંત્રાલયમાં સચિવનો (મહેસૂલ) હોદ્દો સંભાળી રહ્યા છે. આ પહેલા તેમના કાર્યકાળમાં તેમણે ભારત સરકારના નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવનું પદ સંભાળ્યું હતું. તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નાણા અને કરવેરા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.
આ પણ વાંચો : RBI આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડતા બજાર સાંકડી વધઘટે અથડાયું
11 ડિસેમ્બરથી પદભાર સંભાળશે
રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે, ત્યારે તેમના સ્થાને નવા ગવર્નર તરીકે રકારે સંજય મલ્હોત્રાની નિમણૂક કરી છે. સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરથી પદભાર સંભાળશે. તેમની પાસે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નાણા અને કરવેરા ક્ષેત્રનો બહોળો અનુભવ છે. તેમની વર્તમાન કાર્યભાર અંતર્ગત તે પ્રત્યક્ષ અને ઇન-ડાયરેક્ટ ટેક્સના સંદર્ભમાં કર નીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
1990 બેચના IAS અધિકારી
સંજય રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી પબ્લિક પોલિસીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
આ પણ વાંચો : રેપો રેટ યથાવત, ઓટો અને પર્સનલ લોનના EMIમાં કોઈ રાહત નહીં, RBIની જાહેરાત
33 વર્ષની કારકિર્દી
33 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા દર્શાવતા, સંજય મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, માઇનિંગ વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે. હાલમાં તેઓ નાણાં મંત્રાલયમાં સચિવ (મહેસૂલ) છે. તેમની અગાઉના કાર્યકાળમાં, તેમણે ભારત સરકારના નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવનું પદ સંભાળ્યું હતું.