કોલકાતા: સંદેશખાલીને મામલે સંબંધિત તમામ વ્યક્તિની ફરિયાદ સાંભળવામાં આવશે અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, એમ પ. બંગાળના ડીજીપી રાજીવકુમારે ગુરુવારે કહ્યું હતું.
બુધવારે સંદેશખાલીની મુલાકાતે ગયેલા અને ત્યાં એક રાત રોકાયેલા કુમારે પ. બંગાળના 24 પરગણા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિની આકારણી કરી હતી અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની બાંયધરી આપી હતી.
હું અહીં અમારા અધિકારીઓ સાથે વાતચીત કરવા આવ્યો છું એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે લોકોની સુરક્ષા અમારી જવાબદારી છે. અમે દરેકની ફરિયાદ સાંભળીશું. જો જમીન પચાવી પાડવા જેવી ઘટનાઓથી લઈને અન્ય કોઈપણ ફરિયાદ હશે તો દોષીઓ વિરુદ્ધ અમે કડક કાર્યવાહી કરીશું, એમ તેમણે કહ્યું હતું.
જો કોઈની હેરાનગતિ કરવામાં આવતી હોવાનું જણાઈ આવશે તો તેવા સંજોગોમાં પણ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. (એજન્સી)ઉ
