સુપ્રીમ કોર્ટના પરિસરમાં એક સમલૈંગિક કપલે કર્યો પ્રેમનો ઇકરાર…
સુપ્રીમ કોર્ટે ભારતમાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા સામે એક ગે વકીલ દંપતીએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના પરિસરમાં ગે કપલમાંથી એક વ્યક્તિએ ની પર બેસીને પ્રપોઝ કર્યો હતો અને કહ્યું કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા માટેની તેમની લડાઈ ચાલુ રહેશે. આ કપલમાંથી એકનું નામ અનમ્ય કોટિયા છે જ્યારે બીજાનું નામ ઉત્કર્ષ સક્સેના છે.
અનમ્ય કોટિયાએ ઉત્કર્ષને સુપ્રીમ કોર્ટના પરિસરમાં જે પ્રપોઝ કર્યું તેનો ફોટો પણ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી હતી, આ ફોટાએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. ત્યારે ખાસ બાબત તો એ છે કે અનમ્ય અને ઉત્કર્ષ બંને સુપ્રીમ કોર્ટમાં વકીલ છે અને સમલૈંગિક લગ્નની મંજૂરી માટે અરજી કરનારાઓમાં સામેલ છે. ઉત્કર્ષ સક્સેના એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કરેલી છે. જ્યારે તેના પાર્ટનર અનમ્ય લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી પીએચડી છે.
આ બંનેની મુલાકાત DUની હંસરાજ કોલેજમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. અનમ્ય જણાવે છે કે અમારો પ્રેમ પણ સામાન્ય કપલની જેમ જ થયો છે. અને અમે બંને એ તેને ખૂબજ સહજતાથી સ્વીકાર્યો છે. જ્યારે અમે બંને એકબીજાના પ્રેમને સ્વીકાર્યો ત્યારે ભારતમાં સમલૈંગિકતાને ગુનો માનવામાં આવતો હતો, જ્યારે અત્યારે લોકો આ સંબંધને સ્વીકારે છે. હા સુપ્રીમ કોર્ટની મહોર નથી વાગી પરંતુ અમે લડાઇ ચાલુ રાખીશું.
આટલે સુધી પહોંચવા પણ અમે લાંબી કાનૂની લડાઈ લડી છે. અને પ્રપોઝ કરીને એ સાબિત કર્યું છે કે અમે ફક્ત એકબીજા માટે જ બન્યા છીએ.
નોંધનીય છે કે મંગળવારે, 17 ઓક્ટોબર 2023ના ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણય 5 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા સામેલ હતા.