સંભલ હિંસાઃ જામા મસ્જિદ નજીક અતિક્રમણ અને વીજ ચોરી કરનારા સામે સરકાર એક્શનમાં

સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશના સર્વેક્ષણને લઇને થયેલી હિંસક અથડામણમાં ચાર લોકોના મોત થયાના કેટલાક અઠવાડિયા બાદ જિલ્લા વહીવટીતંત્રે ઐતિહાસિક મસ્જિદની આસપાસના વિસ્તારમાં અતિક્રમણ અને વીજ ચોરી કરનારા વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે.
વહીવટીતંત્રે તેના પ્રયાસોના ભાગરૂપે આજે સવારે વિસ્તારમાંથી અતિક્રમણ દૂર કરવાનું શરૂ કર્યું હતું. અધિક પોલીસ અધિક્ષક(એએસપી)શ્રીશ ચંદ્રાના જણાવ્યા અનુસાર નખાસા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં ઘરો અને દુકાનોની બહારની ગટરોને સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ વિસ્તાર સમાજવાદી પાર્ટી(એસપી)ના સાંસદ ઝિયા ઉર રહેમાન બર્કના ઘરની નજીક છે. ચંદ્રાએ જણાવ્યું કે જાહેર સ્થળોને પુનઃસ્થાપિત કરવા અને ડ્રેનેજ સિસ્ટમના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે અભિયાન સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું.
આ પણ વાંચો : યુપીના સંભલમાં જામા મસ્જિદનો સર્વે કરવા પહોંચેલી ટીમ પર પથ્થરમારો, શહેરમાં તણાવ
આ દરમિયાન વીજ વિભાગે પણ વીજ ચોરીને ટાર્ગેટ કરીને મોટું અભિયાન હાથ ધર્યું હતું. વિભાગના કાર્યકારી એન્જિનિયર નવીન ગૌતમે જણાવ્યું કે દીપા સરાઇમાં દરોડા દરમિયાન અધિકારીઓએ ચાર મસ્જિદો અને એક મદરેસામાં ગેરકાયદે વીજ જોડાણ પકડી પાડ્યા હતા.
ગૌતમે જણાવ્યું હતું કે લગભગ રૂ. ૧.૨૫ કરોડની કિંમતની કુલ ૧૩૦ કિલોવોટ વીજળીની ચોરી કરવામાં આવી હતી. ચોરીમાં સામેલ ૪૯ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી હતી અને તેમની સામે એફઆઇઆર નોંધવામાં આવી રહી છે.