નેશનલ

કાશ્મીરના સાંબામાં આતંકી ફફડાટ: 3 શંકાસ્પદો દેખાતા આખું ગામ સીલ, સુરક્ષાબળોનું મેગા સર્ચ ઓપરેશન…

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) સાંબા સેક્ટર (Samba sector) હેઠળના ત્રરિયાલ વિસ્તારમાં શુક્રવારની સાંજે બે થી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ દેખાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આજે સાંજના સમયે સ્થાનિક લોકોએ આ શંકાસ્પદ લોકોને હરતા-ફરતા જોયા હતા, જેની જાણ તુરંત જ સુરક્ષાબળોને (security forces) કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી મોટા પાયે સર્ચ ઓપરેશન (search operation) હાથ ધર્યું હતું.

સુરક્ષાબળો દ્વારા હાલ ખેતરો, ઝાડી-ઝાંખરા અને સંવેદનશીલ સ્થળોએ સઘન તપાસ કરવામાં આવી રહી છે. સાંબા સેક્ટર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલું હોવાથી સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. ઉલ્લેખનીય છે કે, સરહદ પાર પાકિસ્તાનના સિયાલકોટ અને શક્કરગઢ વિસ્તારોમાં આતંકી લોન્ચપેડ્સ સક્રિય હોવાના અહેવાલો BSF દ્વારા અગાઉ જ આપવામાં આવ્યા છે. આ લોન્ચપેડ્સ પર લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ જમ્મુમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં બેઠા હોવાની આશંકા છે.

બીજી તરફ, ઉધમપુર જિલ્લામાં પણ આતંકીઓ સામેની લડાઈ તેજ બની છે. ત્રણેક દિવસ પહેલા ઉધમપુરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં પોલીસ જવાન અમજદ અલી ખાન શહીદ થયા હતા. આ અથડામણ બાદ આતંકીઓ નજીકના જંગલોમાં નાસી છૂટ્યા હતા, જેમને શોધવા માટે જંગલ વિસ્તારમાં પણ ઓપરેશન લંબાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ, બે આતંકી હોવાની આશંકા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button